મોદી આધારિત બીબીસીની ડોક્યુમેન્ટરીનું ઓસ્ટ્રેલિયાની સંસદમાં સ્ક્રિનિંગ

Spread the love

મેલબોર્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક સ્થાનિક સંસ્થાઓ વતી ઓસ્ટ્રેલિયન સંસદમાં દેખાડવામાં આવી હતી. સ્ક્રિનિંગ દરમિયાન ‘ધ ગ્રીન્સ’ પાર્ટીના સાંસદ જોર્ડન સ્ટીલ-જોને કહ્યું કે, વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે ભારતમાં માનવાધિકારના મુદ્દા પર ચર્ચા કરી ન હતી, જેના માટે તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયનના એક અહેવાલ મુજબ, સાંસદે કહ્યું છે કે, એન્થોની અલ્બેનીઝે પીએમ મોદી સાથે ભારતમાં માનવાધિકાર અંગે ચર્ચા કરી નથી હવે તેમણે ઓસ્ટ્રેલિયાની નિષ્ફળતા માટે તેમની ટીકા સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ.
મંગળવારે સિડની ઓલિમ્પિક પાર્કમાં 20 હજારથી વધુ પ્રવાસીઓએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન અલ્બેનીઝે પીએમ મોદીને બોસ કહીને સંબોધ્યા હતા. બીજા દિવસે, ગઈકાલે બંને નેતાઓએ ભારતીય ધ્વજના રંગોમાં રંગાયેલા સિડની ઓપેરા હાઉસની મુલાકાત કરી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાની સંસદમાં પીએમ મોદી પર બીબીસીની એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી, જેમાં માત્ર 50 લોકોએ ભાગ લીધો હતો.
વિ ધ ડાસ્પોરાએ કેટલીક માનવાધિકાર સંસ્થાઓના સહયોગથી આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં કેર, હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સ, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, પેરિયાર આંબેડકર થોટ્સ સર્કલ-ઓસ્ટ્રેલિયા અને ધ હ્યુમનિઝમ પ્રોજેક્ટ સહિત અનેક માનવાધિકાર સંસ્થાઓ સમાવિષ્ટ હતી.
ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગ દરમિયાન, ઓસ્ટ્રેલિયન સંસદમાં માંગ કરવામાં આવી હતી કે, અલ્બેનીઝે પીએમ મોદી સાથે ભારતમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને પ્રેસની સ્વતંત્રતા ઘટાડવાના આરોપો અંગે ચર્ચા કરવી જોઈએ. એમપી સ્ટીલ જ્હોને કહ્યું કે, પશ્ચિમી દેશો માનવ અધિકારના મુદ્દે વારંવાર બેવડા માપદંડો દેખાડતા જોવા મળે છે. તેમણે સંસદને કહ્યું કે, અલ્બેનીઝ પ્રત્યેની તેમની નિરાશા ગુસ્સામાં બદલાઈ ગઈ જ્યારે તેમણે પીએમ મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન માનવ અધિકારનો મુદ્દો ઉઠાવ્યો ન હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *