હું અહીં મરવા તૈયાર છું પરંતુ પાછી પાકિસ્તાન ક્યારેય નહીં જઉં. ત્યાં મારું કોઈ નથી. મારા પતિએ એક વર્ષ પહેલા મને ડિવોર્સ આપી દીધા હતાઃ સીમાની સાફ વાત
નોઈડા
સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પ્રેમમાં સરહદ ઓળંગીને ભારત આવી છે. છેલ્લા થોડા દિવસથી સીમા અને તેના પ્રેમી સચિનની પ્રેમકહાણીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. ગ્રેટર નોઈડામાં રહેતા સચિન સિંહ અને સીમા હૈદરની મંગળવારે જ ધરપકડ કરવામાં આવી છે. એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાનો દાવો કરતાં સચિન અને સીમા વારંવાર લગ્ન કરાવી આપવાની આજીજી કરી રહ્યા હતા. ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા બદલ પોલીસે 27 વર્ષીય સીમા સામે ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સચિન અને તેના પિતા નેત્રપાલ (48 વર્ષ)ની સામે પણ આઈપીસીની કલમ 120B (ગુનાહિત ષડયંત્ર) અને 34 (સમાન ઈરાદો) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ બંનેએ પાકિસ્તાની મહિલાને બોર્ડર પાર કરવામાં મદદ કરી હતી અને ગ્રેટર નોઈડના રાબુપુરામાં આવેલા તેમના ઘરમાં આશરો આપ્યો હતો.
સીમા હૈદર તેના ચાર બાળકો સાથે મે મહિનાના બીજા સપ્તાહમાં કરાચીથી નીકળી હતી. તે દુબઈ થઈને નેપાળના કાઠમંડુ પહોંચી હતી. પાંચેય જણા નેપાળના પોખરાથી બસમાં બેસીને ભારત આવી ગયા હતા. ગત અઠવાડિયે સીમા અને સચિને લગ્ન કરવા માટે દિલ્હીના એક વકીલનો સંપર્ક કર્યો હતો અને તેણે જ પોલીસને સીમા વિશે માહિતી આપી હતી. બંને જણા ભાગીને બસમાં બલ્લભગઢ જઈ રહ્યા હતા ત્યારે સોમવારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. મંગળવારે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા ત્યારે સચિને પોલીસ અને ભારત સરકારને વિનંતી કરી કે, તેમના લગ્ન કરાવી આપે.
હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરું છું કે, તેઓ મને લગ્ન કરવામાં મદદ કરે. મેં કોઈ ગુનો નથી કર્યો. હું સીમાને પ્રેમ કરું છું. સીમા પાકિસ્તાની હોવાથી પોલીસે મારી ધરપકડ કરી છે, તેમ રાબુપુરામાં કરિયાણાની દુકાનમાં કામ કરતાં સચિને પોલીસને જણાવ્યું હતું. આ માહિતી ગ્રેટર નોઈડાના ડીસીપીની કચેરી તરફથી આપવામાં આવી છે. આ તરફ સીમાએ પણ કહ્યું કે, તે કાનૂની લડત માટે તૈયાર છે અને સાથે જ કંઈ ખોટું ના કર્યું હોવાની વાત પણ કરી હતી. હું અહીં મરવા તૈયાર છું પરંતુ પાછી પાકિસ્તાન ક્યારેય નહીં જઉં. ત્યાં મારું કોઈ નથી. મારા પતિએ એક વર્ષ પહેલા મને ડિવોર્સ આપી દીધા હતા. હું સચિનને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગુ છું.
સચિન અને સીમાનો પહેલવહેલો સંપર્ક 2020માં પોપ્યુલર ઓનલાઈન ગેમ પબ્જી રમતી વખતે થયો હતો. “જે બાદ તેમણે એકબીજાના નંબર મોબાઈલ નંબર લીધા હતા અને ટેક્સ્ટ મેસેજ તેમજ વિડીયો કોલ દ્વારા વાતો કરવા લાગ્યા હતા. ચાલુ વર્ષે માર્ચમાં તેમણે નેપાળમાં મુલાકાત કરી હતી અને લગ્નનો નિર્ણય કર્યો હતો”, તેમ ડીસીપીસાદ મિયા ખાને જણાવ્યું. આ મુલાકાત બાદ કપલે સીમાને ભારત લાવવાનો નિર્ણય કર્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, તેમણે યૂટ્યૂબ પરથી શોધ્યું કે, ભારત આવવાનો સૌથી સરળ રસ્તો નેપાળથી છે.
મંગળવારે સચિને પણ પોલીસ સમક્ષ કબૂલ્યું કે, નેપાળથી ભારત આવવાનો સૌથી સરળ રસ્તો નેપાળ છે તે તેમણે શોધ્યું હતું. “અમે અફઘાનિસ્તાન, યુએઈ, યુએસ અને યુકે થઈને ભારત આવવાના વિવિધ માર્ગો વિશે માહિતી મેળવવા કેટલાય વિડીયો જોયા હતા. અમને લાગ્યું કે, દુબઈથી નેપાળ થઈને ભારત આવવું સૌથી સરળ રહેશે. હું સીમા સાથે ફોન દ્વારા સંપર્કમાં હતો અને તેને માર્ગદર્શન પૂરું પાડતો હતો”, તેમ સચિને જણાવ્યું.
સીમાએ પોલીસને જણાવ્યું કે, તે કરાચીમાં તેણે પોતાનું પૈતૃક ઘર વેચીને 12 લાખ રૂપિયા ઊભા કર્યા હતા અને અહીં આવી હતી. સીમાને ક્યાંય બોર્ડર ચેકિંગ કેમ ના નડ્યું? આ સવાલનો જવાબ આપતાં ડીસીપીએ કહ્યું કે, તેણી ચાર બાળકો સાથે પ્રવાસ કરી રહી હતી એટલે શકમંદ નહીં લાગી હોય. ભારત અને નેપાળના નાગરિકોને એકબીજાના દેશમાં આવવા-જવા માટે વિઝાની જરૂર નથી પડતી. પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે, સીમા પાકિસ્તાનમાં ટીકટોક સ્ટાર હતી. તેણે હાલમાં જ એપ ડિલિટ કરી છે પરંતુ તેના સ્માર્ટફોનમાં કેટલાય વિડીયો હજી પણ છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કરાચીની રહેવાસી સીમા હૈદર ક્યાંય પાકિસ્તાની જાસૂસ તો નથી ને? એ દિશામાં કેંદ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે. સીમાની કેટલીક હિલચાલ પરથી આ વાતના સંકેત મળી રહ્યા છે કારણકે તેણે પોલીસને આપેલા પરિવારના કોન્ટેક્ટ નંબરમાંથી એકપણ ફોન લાગતો નથી. તેણી કહે છે કે, તે પાંચમું ફેઈલ છે પરંતુ હિન્દી સારી રીતે જાણે છે અને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન છે.
રાબુપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ સુધીર કુમારે કહ્યું કે, સચિન અને તેના પિતાને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. પાકિસ્તાની મહિલાએ કોર્ટમાં વિનંતી કરી કે, તેના બાળકોને તેની સાથે રાખવા દેવાની મંજૂરી આપવામાં આવે અને તે માન્ય રાખવામાં આવી છે.