રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના MeitYના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

Spread the love

ગ્રામીણ ભારતમાં 1લાખ સાયબર સખીઓ તૈયાર કરવા માટે સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ

  • ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના ઈન્ફર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમનો લાભ લેવાશે
  • સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત રીતે ગ્રામીણ ભારતમાં ‘સાયબર સખીઓ’ને સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ આપી સશક્ત બનાવશે
  • સેફહરનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતમાં 10 લાખ મહિલાઓ સુધી પહોંચીને સાયબર સુરક્ષિત ડિજિટલ સમાવેશ માટે જેન્ડર રિસ્પોન્સિવ અને કોમ્યુનિટી સંચાલિત મોડેલ તૈયાર કરવાનો છે

નવી દિલ્હી

રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની વૈજ્ઞાનિક સંસ્થા સી-ડેક, હૈદરાબાદ દ્વારા ગઇકાલે ‘ઇ-સેફહર’ (e-safeHer) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એક સાયબર સુરક્ષા જાગૃતિ માટેનો તાલીમ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે સહભાગી થવા માટે સક્ષમ બનાવવાનો છે.

આ પહેલ ભારત સરકારના એમ.ઇ.આઇ.ટી.વાય.ના ઈન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમ હેઠળ સી-ડેક, હૈદરાબાદ દ્વારા સંચાલિત છે, જે તાલીમ સામગ્રી અને કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન ખાસ કરીને મહિલાઓના સ્વ-સહાય જૂથો (SHG) દ્વારા સમગ્ર ભારતમાં ગ્રામીણ સમુદાયોમાં આ તાલીમના પ્રસારને વેગ આપશે. મહિલાઓ માટે ડિજિટલ સમાવેશને મજબૂત કરવાની દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશનનું આ વધુ એક મહત્વનું પગલું છે. ઇ-સેફહરનો ઉદ્દેશ્ય છેવાડાના વિસ્તારો સુધી સાયબર સુરક્ષા જાગૃતિ પહોંચાડવાનો છે – ખાસ કરીને ગ્રામીણ ભારતની એ મહિલાઓ માટે જેઓ નાણાકીય વ્યવહારો, આજીવિકા અને આવશ્યક સેવાઓ માટે વધુ ને વધુ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.

સાયબર સુરક્ષા જાગૃતિ અંગે સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન વચ્ચેના આ વ્યૂહાત્મક જોડાણમાં સુવ્યવસ્થિત તાલીમ અને સમુદાય આધારિત હસ્તક્ષેપનો સમાવેશ થાય છે. આ પહેલના લોન્ચિંગ પ્રસંગે બોલતા ભારત સરકારના MeitYના સેક્રેટરી એસ. ક્રિષ્નન (IAS)એ જણાવ્યું હતું કે, “ભારત સરકાર એક ‘સાયબર સુરક્ષિત ભારત’ બનાવવા માટે દેશના ખૂણે ખૂણે પહોંચવાની ક્ષમતા, સહયોગ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકી રહી છે, એવા યુગમાં ઇ-સેફહર એક રોમાંચક તક છે. આ કાર્યક્રમ દ્વારા અમે MeitYના ઇન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમના અભ્યાસક્રમ અને જ્ઞાનને એક મંચ પર લાવીશું. સી-ડેક અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આ પહેલ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સુરક્ષિત, સક્રિય અને સશક્ત બનાવશે. અમે એક એવા આદર્શ મોડેલની અપેક્ષા રાખીએ છીએ જેને દેશભરમાં સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સાથે મળીને વ્યાપક સ્તરે લઈ જઈ શકાય.”

રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ગ્રામીણ મહિલાઓ પહેલાં કરતાં વધુ ઝડપથી ઓનલાઈન આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન માત્ર મહિલાઓના ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે જ નહીં, પરંતુ  તેઓ સુરક્ષિત રહે તે માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. અમને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)અને સી-ડેક સાથે ભાગીદારી કરીને ‘ઇ-સેફહર’ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ પૂરી પાડતા આનંદ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને ઓનલાઈન સુરક્ષિત રહેવા માટે કૌશલ્ય અને જ્ઞાન વિકસાવવામાં મદદ કરવાનો છે, કારણ કે તેઓ તેમના જીવન અને આજીવિકાને મજબૂત બનાવવા માટે ડિજિટલ શક્તિનો ઉપયોગ કરે છે. આ પહેલ દ્વારા અમારું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં ગ્રામીણ ભારતમાં 10 લાખ સાયબર સખીઓને સશક્ત બનાવવાનું છે, જે તેમને સુરક્ષિત ઓનલાઈન પદ્ધતિઓ કેળવવામાં મદદ કરશે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે ડિજિટલ વિશ્વને અપનાવી શકે.”

સીડેક દ્વારા આઇ.એસ.ઇ.એ. પ્રોજેક્ટ હેઠળ સાયબર સુરક્ષા તાલીમ સામગ્રીના વિકાસ, સ્થાનીયકરણ અને સતત સુધારણાનું નેતૃત્વ કરવામાં આવશે, જેમાં વિવિધ ભાષાઓમાં તેની રજૂઆતનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં તેની પાયાના સ્તર સુધીની બહોળી હાજરી અને મહિલા સશક્તીકરણના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્થાનિક નેતૃત્વ અને સમુદાય આધારિત મોડેલ દ્વારા આ તાલીમ પહોંચાડશે.

તબક્કાવાર અભિગમ સાથે મધ્યપ્રદેશ અને ઓડિશામાં સાયબર સખીઓની તાલીમથી શરૂઆત કરીને આ પહેલને વિવિધ ભાગીદારોના સહયોગથી 2029 સુધીમાં 10 લાખ મહિલાઓ સુધી લઈ જવામાં આવશે. વ્યાપક પ્રસાર અને ટકાઉપણાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષા જાગૃતિને હાલના મહિલા સશક્તીકરણ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો સાથે જ સાંકળી લેવામાં આવ્યો છે, જેથી અલગ માળખાગત સુવિધા ઊભી કર્યા વિના સાતત્ય જળવાઈ રહે. સ્થાનિક સામગ્રી, ઓડિયો-વિઝ્યુઅલ મોડ્યુલ્સ અને સંયોજિત શિક્ષણ પદ્ધતિઓ આ તાલીમની સુલભતા અને લોકપ્રિયતામાં વધારો કરશે. ઇ-સેફહરથી લોકોના વર્તનમાં જોઈ શકાય તેવા પરિણામો જોવા મળશે, જેમાં સાયબર જોખમો પ્રત્યેની જાગૃતિમાં સુધારો, ડિજિટલ વ્યવહારોમાં વધતો આત્મવિશ્વાસ અને સહભાગીઓ દ્વારા સુરક્ષિત ડિજિટલ પદ્ધતિઓનો સ્વીકાર સામેલ છે. આ અમલીકરણમાંથી મળેલા અનુભવો અને નિષ્કર્ષો દેશભરમાં પુરાવા-આધારિત તાલીમનો વ્યાપ વધારવા અને નીતિગત એકીકરણમાં ફાળો આપશે.

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતભરની મહિલાઓને તેમની ક્ષમતા મુજબ સિદ્ધિઓ હાંસલ કરવા અને પરિવર્તનકારી બદલાવ લાવવા માટે સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે, જેમાં નેતૃત્વ ક્ષમતા નિર્માણ, મહિલા સાહસિકતાને મજબૂત કરવી, ડિજિટલ સાક્ષરતા, રોજગાર અને કૌશલ્ય વિકાસ, મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ શિક્ષણ, રમતગમત અને કળાના ક્ષેત્રમાં મહિલાઓ માટે તકો વધારવા જેવી વિવિધલક્ષી મહિલા સશક્તીકરણની પહેલોનો સમાવેશ થાય છે. ઇ-સેફહર આ પાયાની કામગીરીને આગળ ધપાવતા મહિલા કેન્દ્રિત સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેથી ભારતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં ડિજિટલ કૌશલ્યો પ્રત્યે વધુ આત્મવિશ્વાસ પેદા કરી શકાય.

MeitYના રાષ્ટ્રીય સાયબર સુરક્ષા માળખા, સી-ડેકની તકનીકી કુશળતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સમુદાય સંચાલિત ડિલિવરી મોડેલને જોડીને ઇ-સેફહર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ગ્રામીણ ભારતની મહિલાઓ માત્ર ડિજિટલ રીતે જ જોડાય નહીં, પરંતુ ડિજિટલ રીતે સુરક્ષિત પણ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *