એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત થવાનું કહેનારા એ કોણ ? હું હજુ પણ કામ કરી શકું છું

મુંબઈ
મહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોજ રોજ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે હવે એનસીપીના વડા શરદ પવારે મીડિયા સાથેની વાતચીતમાં એક મોટુ નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે તેમણે 2014,2019ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપ સાથે વાતચીત કરી હતી. જો કે વૈચારિક મતભેદોને કારણે વાતચીત આગળ વધી શકી ન હતી.
અજિત પવારે એનસીપીમાં બળવો કર્યા બાદ શરદ પવાર પર નિવૃતિની ટિપ્પણી કરી હતી જેના જવાબમાં શરદ પવારે આજે કહ્યું કે તેઓ 82 વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. આ સાથે શરદ પવારે ભારપૂર્વક કહ્યું કે તેઓ ‘હજી વૃદ્ધ નથી’ અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘ના ટાયર્ડ હૂં, ના રિટાયર્ડ હૂં’. એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત થવાનું કહેનારા એ કોણ ? હું હજુ પણ કામ કરી શકું છું.
એનસીપીના વડા શરદ પવારે ખુલાસો કર્યો હતો કે અમે 2014, 17 અને 19માં ભાજપ સાથે ચર્ચા કરી હતી પરંતુ મેં નક્કી કર્યું હતું કે અમે વિચારધારા પર સહમત ન હોવાથી આમ ન કરવું જોઈએ. તેથી અમે ચર્ચા કરવામાં કંઈ ખોટું કર્યું નથી કારણ કે તે લોકશાહીની એક પ્રક્રિયાનો એક ભાગ છે. મહત્વની વાત એ છે કે હું ક્યારેય ભાજપ સાથે ગયો નથી.
આ સાથે જ શરદ પવારે કહ્યું કે પરિવારમાં શું થયું તેની ચર્ચાને હું બહાર કરીશ નહીં. મને ખરાબ લાગ્યું કે એ બધા મારી નજીક છે પણ મેં અગાઉ પણ આવી ઘટનાઓનો સામનો કર્યો છે. હું ફરીથી પાર્ટીને ઉભી કરીશ. તેમણે કહ્યું કે ચૂંટણી પંચમાં જે થાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તે થતું રહેશે. હું જમીની સ્તરે કાર્ય કરતો રહીશ. આ ઉપરાંત વિપક્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારો પ્રયાસ વિપક્ષી એકતા માટે છે. ચૂંટણી જીતશો તેની કોઈ ગેરંટી નથી પરંતુ તમારે વિચારધારાના મુદ્દે સાથે આવવું જોઈએ.