પેટાઃ દોષિત યુવકની ઓળખ પેટ્રિક ક્રુસિયસ તરીકે થઈ હતી જેને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો
ટેક્સાસ
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. લાખો પ્રયાસો બાદ પણ આજ સુધી આવી ઘટનાઓ પર અંકુશ નથી આવ્યો. જો કે સરકાર આવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરનો મામલો ટેક્સાસ સાથે સંબંધિત છે જ્યાં વોલમાર્ટમાં 23 લોકોની હત્યા કરનાર વ્યક્તિને 90 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
એક રિપોર્ટ પ્રમાણે દોષિત વ્યક્તિએ વર્ષ 2019માં અલ પાસોમાં સામૂહિક ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે વોલમાર્ટની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરીને 23 લોકોને નિશાન બનાવ્યા. દોષિત યુવકની ઓળખ પેટ્રિક ક્રુસિયસ તરીકે થઈ છે જેને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હવે આ વ્યક્તિને 90 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે, પેટ્રિકને વધુ સજા તરીકે મૃત્યુદંડનો પણ સામનો કરવો પડી શકે છે.
પેટ્રિક ક્રુસિયસે સુનાવણી દરમિયાન કોર્ટમાં કંઈ કહ્યું ન હતું. જો કે, તેમના વકીલે ચોક્કસપણે તેમનો કેસ રજૂ કર્યો હતો. તેના વકીલે કહ્યું કે, શૂટર માનસિક બિમારીથી પીડિત હતો જેના કારણે તેણે ગોળીબાર કર્યો. જોકે, ફરિયાદીઓએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ક્રુસિયસ જાણતો હતો કે જ્યારે તેણે ગુનો કર્યો ત્યારે તે શું કરી રહ્યો છે. તેમ છતાં તેણે લોકો પર દયા નહોતી દાખવી.
ત્યારબાદ આ ઘટનાને અંજામ આપતા પહેલા, દોષિત વ્યક્તિએ ઓનલાઈન જાતિવાદી ટિપ્પણી પોસ્ટ કરીને ફાયરિંગની ચેતવણી આપી હતી. જેણે તેણે પોતે ફેબ્રુઆરીમાં સ્વીકાર્યું હતું. અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.