પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી; રહેવાસીઓના આક્રોશ અને ભાવુક દૃશ્યો વચ્ચે તંત્રની કામગીરી પૂર્ણ
અમદાવાદ
અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા મકાનોના ગેરકાયદે બાંધકામ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શનિવારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા મુજબ, અગાઉથી નોટિસો આપીને રહેવાસીઓને મકાન ખાલી કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં સ્થળ ખાલી ન થતાં કાર્યવાહી કરવી પડી હતી.
તંત્ર પહોંચતાં જ સ્થાનિકોમાં રોષ
સવારે AMCના અધિકારીઓ, પોલીસ અને મશીનરીનો કાફલો મોટેરા જૂના ગામમાં પહોંચતાં જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક રહેવાસીઓ પોતાના મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી કાર્યવાહી અટકાવવાની માંગ કરી હતી.
30 મિનિટની મુદત બાદ શરૂ થયું ડિમોલિશન
પરિસ્થિતિ તંગ બનતા AMCના અધિકારીઓએ માઇક દ્વારા જાહેરનામું કરીને સ્થાનિકોને ઘરનો સામાન હટાવવા અને મકાન ખાલી કરવા માટે 30 મિનિટનો સમય આપ્યો હતો. જોકે, આ જાહેરાત બાદ પણ લોકોમાં અસંતોષ યથાવત રહ્યો હતો. નિર્ધારિત સમય પૂર્ણ થતાં જ તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી.
JCB પહોંચતાં ભાવુક દૃશ્યો સર્જાયા
જેસીબી મશીનો દ્વારા મકાનોના ગેરકાયદે ભાગ તોડવાની કામગીરી શરૂ થતાં અનેક પરિવારો ભાવુક બની ગયા હતા. ઘરો તૂટતા જોઈને મહિલાઓ અને બાળકો રડી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ગમગીન અને તંગ વાતાવરણ સર્જાયું હતું.
આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસ હરકતમાં
ડિમોલિશનથી નારાજ એક સ્થાનિક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં ઘટનાસ્થળે તણાવ વધુ વધી ગયો હતો. જોકે, પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યુવકની અટકાયત કરી હતી.
પરીક્ષા આપતી દીકરીના પરિવારની વ્યથા
આ કાર્યવાહી દરમિયાન એક પરિવારની વ્યથા સૌના ધ્યાનનું કેન્દ્ર બની હતી. એક માતાએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમની દીકરીની કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા હતી, પરંતુ એ જ દિવસે મકાન તોડવાની કાર્યવાહી થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. માતાની આ પીડા અને લાચારીના દૃશ્યોએ હાજર લોકોની આંખો ભીની કરી દીધી હતી.
ભારે વિરોધ છતાં કાર્યવાહી પૂર્ણ
સ્થાનિકોના વિરોધ, રજૂઆતો અને ભાવુક દૃશ્યો વચ્ચે પણ AMCએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. અંતે 17 મકાનોના ગેરકાયદે ભાગોને તોડી પાડીને ડિમોલિશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં દિવસભર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.
