મોનિટરિંગ ટીમને સુરજ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી, જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો
ભોપાલ
મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો આવી રહ્યા છે. ચિતા તેજસના મોત બાદ વધુ એક ચિતા સૂરજનું મોત નિપજ્યું છે. ત્રણ દિવસ પહેલા 11મી જુલાઈના રોજ તેજસનું મોત થયું હતું, ત્યારે વધુ એક ચિતાના મોતના સમાચારો સામે આવ્યા છે. આજે સવારે સૂરજ નામનો ચિતો ઈનક્લોજર બહાર મૃત હાલતમાં મળ્યો છે. મોનિટરિંગ ટીમને સુરજ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી, જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો. સૂરજની મોત બાદ કુનો નેશનલ પાર્કમાં 4 ચિતા અને 4 બચ્ચા જ બચ્યા છે.
દરમિયાન કુનો નેશનલ પાર્કમાં છેલ્લા 5 મહિનામાં 8 ચિતાના મોત નિપજવાની ઘટા બની છે. નર ચિતા તેજસના મૃત્યુના એક દિવસ બાદ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે નબળો પડી ગયો હતો અને માદા ચિતા સાથેની હિંસક લડાઈ બાદ તે આઘાતમાંથી બહાર ન આવી શક્યો. માર્ચથી અત્યાર સુધીમાં KNPમાં 8 ચિત્તાના મોત થયા છે.
તેજસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચિતાનું વજન લગભગ 43 કિલો હતું, જે સામાન્ય નર ચિતાના વજન કરતા ઓછું છે અને તેના શરીરના અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવી સ્થિતિમાં તેના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુનું પ્રથમ દૃષ્ટિએ કારણ જીવલેણ આઘાત છે.