મેડિકલ સ્ટોર અને કમ્પાઉન્ડરનો અનુભવ બતાવી બોગસ પ્રેક્ટિસ કરતા તત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ; કડક કાર્યવાહીની ચેતવણી
રાજકોટ:
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. યોગ્ય તબીબી લાયકાત કે માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ 17 બોગસ ડૉક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ આકરા પ્રહાર જેવી કામગીરીથી સમગ્ર રાજકોટ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
10-12 પાસ અને ગ્રેજ્યુએટ બની બેઠા ડૉક્ટર
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલા 17 આરોપીઓમાંથી 14 આરોપીઓ તો માત્ર ધોરણ 10 અને 12 પાસ જ છે, જ્યારે બાકીના 3 આરોપીઓ સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા છે. આ તમામ શખસો ભૂતકાળમાં મૂળ ડૉક્ટરો પાસે સહાયક (કમ્પાઉન્ડર) તરીકે અથવા તો મેડિકલ સ્ટોરમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યા હતા. ત્યાં મેળવેલા અનુભવના આધારે તેઓએ વગર ડિગ્રીએ સ્વતંત્ર ક્લિનિક ખોલીને ચિકિત્સક તરીકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
એલોપેથિક દવાનો બેફામ ઉપયોગ અને ઇન્જેક્શનો આપતા
આ નકલી ડૉક્ટરો સામાન્ય તાવ, શરદી, અને ઉધરસ જેવી બીમારીઓના નામે દર્દીઓ પાસે હોમિયોપેથિક તથા એલોપેથિક દવાઓનો બેફામ ઉપયોગ કરાવતા હતા. એટલું જ નહીં, કોઈ પણ યોગ્ય તબીબી તાલીમ વગર દર્દીઓને એલોપેથીની ગંભીર અસરો કરી શકે તેવી સારવાર આપતા અને ઇન્જેક્શનો પણ મારતા હતા.
કેટલાક 10 વર્ષથી કરતા હતા પ્રેક્ટિસ, ભાડાં ફૂટવાના ડરે કેટલાક ફરાર
તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી જ આ ગેરકાયદે ધંધામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શખસો છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી તબીબી લાયકાત વિના જ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસની આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ભાડાં ફૂટી જવાની બીકે અને પકડાઈ જવાના ડરે કેટલાય બોગસ ડૉક્ટરો પોતાના દવાખાના બંધ કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસની ચેતવણી: ડ્રાઇવ સતત ચાલુ રહેશે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાંથી બોગસ ડૉક્ટરોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આ વિશેષ ડ્રાઇવ ચાલુ જ રાખવામાં આવશે. હાલ પકડાયેલા તમામ 17 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.
