કાર ભાગીદાર નામે નોંધાયેલી, તથ્ય પાસે લાયસન્સ પણ છે, આ મામલે કોર્ટ જે કહેશે તે કરવા આરોપીના પિતા તૈયાર
અમદાવાદ
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે, કાર ચાલક તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ પણ કુખ્યાત આરોપી છે. તેના પિતા સામે દુષ્કર્મનો પણ આરોપ છે તેમજ તેના વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ વચ્ચે નબિરાના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેના વકીલનું નિવેદન સામે આવ્યું છે. પ્રજ્ઞેશ પટેલે દીકરાનો બચાવ કરતા જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં હું ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, જેગુઆર કારમાં અન્ય 5 લોકો હતા તેમજ મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો જેને મે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે, તથ્ય તેના મિત્રો સાથે રાત્રે 11 વાગ્યે કેફેમાં ગયો હતો. આ ઉપરાંત કારની માલિકી વિશે પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું કે, આ કાર ભાગીદાર નામે નોંધાયેલી છે. તેમણે જણાવ્યું કે, તેની પાસે લાયસન્સ પણ છે. ઉપરાંત આ મામલે હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું.
અકસ્માતની ઘટના અંગે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે અકસ્માતની ઘટના અજાણતા થતી ઘટના છે. આ ઘટનાસ્થળે પહેલા ટ્રક અને થારનો અકસ્માત થયો હતો તેને હટાવવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બેરિયર પણ મૂકાયા ન હતા. વકીલે વધુમાં કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ અકસ્માત કરવાના ઈરાદે ઘરેથી નથી નીકળતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કારની સ્પીડ 160ની નહતી કે કાર ઓવરસ્પીડ પણ ન હતી. અકસ્માત જ્યા થયો હતો ત્યા લોકોનું ટોળું ભેગું થયુ હતું. અમે કાયદાનું પાલન કરીશું અને સાચું હશે સામે આવી જશે.