અલ્હાબાદ હાઈકોર્ટના એક જજને રેલવે મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા પર રેલવેથી સ્પષ્ટતા માગવામાં આવતા વાંધો દર્શાવ્યો
નવી દિલ્હી
દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જજોને મળતી પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન માની લેવામાં આવે. આ સુવિધાઓનો ઉપયોગ એવી રીતે ન કરવો જોઈએ કે તેનાથી બીજાને અસુવિધા થાય કે પછી ન્યાયપાલિકાની ટીકા થાય. અલ્હાબાદ હાઈકોર્ટના એક જજને રેલવે મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા પર રેલવેથી સ્પષ્ટતા માગવામાં આવતા વાંધો દર્શાવતા સીજેઆઈએ દેશની તમામ હાઈકોર્ટના મુખ્ય જજોને લખેલા પત્રમાં આ વાત કહી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર (પ્રોટોકોલ) તરફથી ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજરને 14 જુલાઈએ લખવામાં આવેલા પત્રનો હવાલો આપતાં સીજેઆઈએ કહ્યું કે આ ઘટનાને લીધે કોર્ટની અંદર અને બહાર બેચેની વધી ગઈ છે. જોકે હાઈકોર્ટને વધુ શરમજનક સ્થિતિથી બચાવવા માટે સીજેઆઈએ તેમના પત્રમાં સંબંધિત જજનું નામ નથી લખ્યું.
પત્રમાં ફક્ત એટલું જ કહેવાયું છે કે રેલવેના કર્મચારીઓ પર શિસ્તભંગની કાર્યવાહી કરવી હાઈકોર્ટના જજના ન્યાયક્ષેત્રની બહાર છે. સીજેઆઈએ લખ્યું કે હાઈકોર્ટના અધિકારીને રેલવે કર્મચારીઓ દ્વારા સ્પષ્ટતા માગવાની જરૂર નહોતી. સીજેઆઈએ પત્રમાં વધુમાં કહ્યું કે જજોને મળતી પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન માની લેવામાં આવે. ન્યાયિક અધિકારીઓએ તેમના અધિકારોનો ભલે તે બેન્ચમાં હોય કે ન હોય વિવેકશીલ રીતે કરવો જોઇએ.