આ રાષ્ટ્રીય મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે
નવી દિલ્હી
દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાં બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પરિસરનું ઉદ્ધાટન કર્યુ હતું તે દરમિયાન વિશ્વના સૌથી મોટા ‘યુગે-યુગીન ભારત’ રાષ્ટ્રીય મ્યુઝિયમની જાહેરાત કરી હતી. આ રાષ્ટ્રીય મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. યુગ-યુગીન નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ‘શાશ્વત અથવા સનાતન ભારત’.
આ મ્યુઝિયમની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં આઠ વિષયોના વિભાગો હશે. આ સિવાય ત્રણ માળના આ મ્યુઝિયમમાં 950 રૂમ પણ હશે તેમજ એક બેઝમેન્ટ પણ હશે. યુગે યુગીન ભારત રાષ્ટ્રીય મ્યુઝિયમ ભારતની 5,000 વર્ષથી વધુની સમૃદ્ધ સભ્યતા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. મુલાકાતીઓ ભારતીય કલા, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, સાહિત્ય અને ફિલસૂફી પરના પ્રદર્શનો જોઈ શકશે. આ મ્યુઝિયમ વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિતમાં ભારતના યોગદાનને પણ પ્રદર્શિત કરશે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવામાં રસ ધરાવનાર કોઈપણ માટે આ એક ખાસ સ્થળ હશે.
વોક-થ્રુમાં ભારતની પ્રાચીન ટાઉન પ્લાનિંગ સિસ્ટમ, વેદ, ઉપનિષદો, પ્રાચીન તબીબી જ્ઞાન, મૌર્યથી ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્ય, સંસ્થાનવાદી શાસન અને અન્ય ઘણા રાજવંશોનોના ઈતિહાસની ઝલક જોઈ શકાશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જનપથ ખાતેના રાષ્ટ્રીય મ્યુઝિયમની કલાકૃતિઓ અને અન્ય સંગ્રહ હવે આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ મ્યુઝિયમની ઇમારતનો શિલાન્યાસ 12 મે 1955ના રોજ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યો હતો.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં કુલ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ ‘લૂવર’ આવેલું છે. તે સીન નદીની જમણી બાજુએ 38,75,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, તેમાંથી 925,700 ચોરસ ફૂટ લોકો માટે ખુલ્લું છે જેમા શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ અને કાફેનો સમાવેશ થાય છે. એકલા મ્યુઝિયમની વાત કરીએ તો તે 7,53,470 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. મ્યુઝિયમમાં 6,15,797 વસ્તુઓનો સંગ્રહ છે, જેમાંથી લગભગ 35,000 લોકો માટે કાયમી પ્રદર્શનમાં છે. સેન્ટ્રલ પેરિસમાં લેન્ડમાર્ક અગાઉ એક મહેલ હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર તે વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલું આર્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં વર્ષ 2019માં 96 લાખ પ્રવાસીઓએ અહીં મુલાકાત લીધી હતી. લુવર મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મહેલનો રેકોર્ડ પણ ધરાવે છે.
ભારતમાં હાલમાં સૌથી મોટું મ્યુઝિયમ ‘ભારતીય મ્યુઝિયમ’ અથવા ‘ઈન્ડિયન મ્યુઝિયમ’ છે. તેની સ્થાપના 1814માં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ દ્વારા 2 ફેબ્રુઆરી, 1814ના રોજ ડૉ. નાથાનીયલ વાલિચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તે માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં પરંતુ એશિયા પેસિફિક ક્ષેત્રમાં પણ સૌથી મોટું બહુહેતુક મ્યુઝિયમ છે. અહીં દેશની વિવિધ વિગતોથી લઈને રસપ્રદ અને અદ્ભુત વસ્તુઓ એકત્રિત કરવામાં આવી છે. ભારતીય મ્યુઝિયમમાં ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ઉદ્યોગ, પુરાતત્વ, કલા અને નૃવંશશાસ્ત્રને સમર્પિત વિભાગો છે. સિક્કા વિભાગમાં વિશ્વમાં ભારતીય સિક્કાઓનો સૌથી મોટો સંગ્રહ છે. કલા વિભાગ તેના કાપડ, કાર્પેટ, આયર્ન-વર્ક, કાચ અને માટીકામ માટે પ્રખ્યાત છે. ગેલેરી પર્શિયન અને ભારતીય પેઇન્ટિંગના ઉદાહરણો દર્શાવે છે અને ભૂસ્તરશાસ્ત્રીય વિભાગ એશિયામાં સૌથી મોટો છે. વિવિધ એશિયન સંસ્કૃતિઓમાંથી શિલ્પો અને કાંસ્યનો વિશાળ સંગ્રહ છે.