
અમદાવાદ
એસ એસએજી મોલકેમ 15કે આઈટીએફ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટની સિંગલ્સની સેમિફાઈનલમાં ગુજરાતની ઝિલ દેસાઈનો અદકાર સામે 6-0,6-2થી પરાજય થયો હતો. સ્થાનિક ફેવરિટ ખેલાડીનો આજના દિવસ નબળો રહ્યો હતો અને તે રમતમાં લયબદ્ધતા જાળવી ન શકાતા હારી ગઈ હતી. ઝિલનો તાજેતરના વર્ષોમાં આઈટીએફ ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ સ્કોર રહ્યો હતો. સિંગલ્સની અન્ય સેમિફાઈનલમાં રશિયાની ટોચની ક્રમાંકિત યાશિનાનો ડેનમાર્કની જમશિદી સામે જોરદાર રસાકસી બાદ 3-6, 6-3, 4-6થી પરાજય થયો હતો. બે કલાક અને 19 મિનિટ ચાલેલી મેચમાં યાશિનાએ સાત મેચ પોઈન્ટ સેવ કર્યા ત્રીજા સેટમાં 1-5થી પાછળ રહ્યા બાદ 4-6થી સેટ ગુમાવ્યો હતો. આ સાથે જમશિદીએ અગાઉની આફ્રિકાની ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યા બાદ આ સ્પર્ધાની પણ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતની ઝિલ દેસાઈ સેમિફાઈનલમાં ફેંકાઈ જતા એલેના જમશિદીનો વેશ્નવી અદકર સામે શનિવારે સવારે ટાઈટલ માટેનો મુકાબલો થશે.

સ્પર્ધાની ડબલ્સની સેમિફાઈનલમાં જાપાની જોડી કોબાયાશી અને નગાટાનો નિત્તુરે અને સિદીક સામે 6-2, 6-1થી આસાન વિજય થયો હતો જ્યારે અન્ય સેમિફાઈનલમાં પૂજા ઈંગલે-અદકરની જોડીએ માય રેવંથી-લક્ષ્મી પ્રભાની જોડી સામે 4-6, 6-1 અને 10-4થી જોરદાર મુકાબલા બાદ વિજય મેળવી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલમાં તેમનો મુકાબલો જાપાનની જોડી સામે થશે.
