
20 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ, 26થી વધુ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા
દમિશ્ક
વિશ્વમાં ટોપ-3 સૌથી ખતરનાક દેશોની વાત કરવામાં આવે તો તેમાં સીરિયાનું નામ પણ આવે છે… આતંકવાદના કારણે સીરિયામાં હંમેશા વિકટ સ્થિતિ રહેતી હોય છે. સીરિયામાં અવારનવાર આતંકવાદી પ્રવૃત્તિઓની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એકવાર સીરિયામાં આતંકીઓની ગંભીર કરતુત સામે આવી છે. સીરિયામાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલો મળ્યા છે… સીરિયાના સૌથી પ્રસિદ્ધ શિયા ધાર્મિક સ્થળ દમિશ્કના સૈયદા જૈનબ મકબરા પાસે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ગઈકાલે બનેલી આ ઘટનામાં 6 લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે 46થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 20 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ છે.
સીરિયાના ગૃહ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે, આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે અને 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. આ વિસ્ફોટના કારણે આશરે 20 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. દરમિયાન આ વિસ્તારમાં વધુ ચહલ-પહલ રહેતી હોય છે. તો ઘટના સમયે પણ અહીં ઘણા લોકોની અવર-જવર જોવા મળી હતી. ધડાકાભેર વિસ્ફોટ થતાં જ લોકોમાં નાસભાગ મચી હતી.
સીરિયાના ગૃહ મંત્રાલયે બોંબ વિસ્ફોટ અંગે નિવેદન જારી કરી આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. અહેવાલો મુજબ આ વિસ્ફોટ સૈયદા જૈનલ મકબરા પાસે એક બાઈકમાં થયો છે… એક કેબ ટેક્સી પાસે આ બાઈક ઉભી રખાઈ હતી… આ અગાઉ ગત મંગળવારે એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.