ભારત-જાપાનના વૈજ્ઞાનિકોએ હિમાલય પર 60 કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી

Spread the love

દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આશરે 60 કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે


નવી દિલ્હી
હિમાલયની પર્વતમાળા વિશે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે નહીં જાણતી હોય. તેમાં દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. જે મોટાભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે હિમાલય એક નવા કારણસર ચર્ચામાં છે. મામલો એવો છે કે ભારતની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) અને જાપાનની નિગાટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સાથે મળીને હિમાલય પર આશરે 60 કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી છે. દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે આશરે 60 કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે.
જ્યારે અહીંથી મળી આવેલા ખનીજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ બંનેની હાજરી મળી આવી હતી. તેમાં કહેવાયું છે કે તેના વિશ્લેષણથી ટીમને એ સંભવિત ઘટનાઓની જાણકારી મળી કે જેના કારણે પૃથ્વીના ઈતિહાસમાં એક મોટી ઓક્સિજનેશન ઘટના બની હશે. બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટમાં આ માહિતી મળી હતી.
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર તેમનું માનવું છે કે 70થી 50 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી પર બરફની મોટી ચાદર પથરાયેલી હશે. તેના પછી પૃથ્વીના વાયુમંડળમાં ઓક્સિજનની માત્રા વધી અને તેનાથી જટિલ જીવન સ્વરૂપોનો વિકાસ થયો. આઈઆઈએસસીમાં સેન્ટર ફોર અર્થ સાયન્સના પીએચડી સ્ટુડન્ટ્સ પ્રકાશ ચંદ્ર આર્યાએ કહ્યું હતું કે અમને અતિપાષાણયુગમાં અસ્તિત્વમાં રહેલા મહાસાગરની ટાઈમ કેપ્સૂલ મળી છે. તેઓ પ્રિકેમ્બ્રિયન રિસર્ચમાં છપાયેલ સ્ટડીના પ્રથમ લેખક પણ છે.
આઈઆઈએસસીએ કહ્યું કે વૈજ્ઞાનિકો હજુ સુધી એ યોગ્ય રીતે સમજી નથી શક્યા કે સારી રીતે સંરક્ષિત જીવાશ્મોનો અભાવ અને પૃથ્વીના ઈતિહાસમાં હાજર તમામ જૂના મહાસાગરોના લુપ્ત થવા પાછળના કારણ વચ્ચે પરસ્પર શું સંબંધ હતા? પ્રકાશ ચંદ્ર આર્યાએ કહ્યું કે હિમાલયમાં એવા સમુદ્રી ખડકો મળવાથી થોડાક જવાબો તો મળી શકે છે. હાલ અમારી પાસે આ મહાસાગરો વિશે વધારે માહિતી નથી? તે વર્તમાન મહાસાગરોની તુલનાએ કેટલા અલગ હતા? શું તે વધારે એસિડિક કે ક્ષારવાળા, પોષક તત્વોથી ભરપૂર કે ગરમ કે પછી ઠંડા હતા, તેમની રાસાયણિક અને સમસ્થાનિક સંરચના શું હતી? આ તમામ પ્રકારના સવાલોના જવાબ માટે વિશ્લેષણ જરૂરી છે અને તેનાથી જ પૃથ્વી પર પ્રાચીન ક્લાઇમેટ વિશે જાણકારી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *