ઈરાક એક્સપોર્ટ કરવામાં આવેલા શરદીના સિરપની ચકાસણી કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારી વિગત મળી
નવી દિલ્હી
ભારત દુનિયામાં સૌથી સસ્તા દરે દવા ઉત્પાદન કરતો દેશ ગણાય છે જેના કારણે ઘણા ગરીબ દેશો મેડ ઈન ઈન્ડિયા દવાઓ પર આધાર રાખે છે. પરંતુ તાજેતરમાં કેટલીક દવાઓ જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે તેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. તાજેતરમાં ભારતે ઈરાક મોકલેલી શરદીની દવામાં ઝેરી રસાયણો હોવાનું બહાર આવ્યું છે. ઈરાક એક્સપોર્ટ કરવામાં આવેલા શરદીના સિરપની ચકાસણી કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારી વિગત મળી છે. થોડા સમય અગાઉ કેટલાક દેશોમાં ભારતીય કફ સિરપના કારણે બાળકોના મોત થયા હોવાના અહેવાલ આવ્યા હતા, પરંતુ તેને પુષ્ટિ મળી ન હતી.
ઈરાકમાં વેચાઈ રહેલા ભારતીય શરદીના સિરપની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં 2.1 ટકા ઈથાઈલિન ગ્લાઈકોલ મળી આવ્યું હતું જે વિશ્વ સ્તરે સ્વીકાર્ય લિમિટ કરતા 21 ગણું વધારે હતું. આ કમ્પાઉન્ડ નાના પ્રમાણમાં લેવામાં આવે તો પણ માનવી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગયા વર્ષે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં 200થી વધારે બાળકોના મોત પાછળ પણ આ રસાયણ જવાબદાર ગણવામાં આવે છે. આ બાળકો પણ ભારતીય કફ સિરપના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
હવે આ મુદ્દો ઈરાક સરકારના હાથમાં છે. ઈરાકી સરકાર પણ જો આ બબતની પુષ્ટિ આપશે તો ભારતીય દવાઓ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા એલર્ટ આપી શકાય છે. ઈરાકી સરકારના પ્રવક્તાએ કહ્યું કે તે દવાઓની આયાત, વેચાણ અને વિતરણ અંગે ચુસ્ત નિયમોનું પાલન કરે છે. પરંતુ ભારતીય શરદીની દવા અને તેમાંથી મળી આવેલા ઝેરી રસાયણ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી.
ઓક્ટોબર 2022માં ગામ્બિયામાં 60 બાળકોના મોત થયા હતા જેના માટે કફ સિરપને જવાબદાર ગણવામાં આવે છે. આ સિરપનું ઉત્પાદન ભારતની મેઈડેન ફાર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઓક્ટોબર 2022માં ઈન્ડોનેશિયામાં પણ કફ સિરપથી લગભગ 200 બાળકો મૃત્યુ પામ્યા હતા. આ દવા ઈન્ડોનેશિયામાં જ ઉત્પાદિત હતી.
ભારતમાંથી કેટલાક દેશોમાં જે દવા નિકાસ કરવામાં આવી રહી છે તેમાં એથેલેન ગ્લાયકોલ નામના રસાયણનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. લાઈબેરિયા અને માર્શલ આઈલેન્ડમાં પણ દવાઓમાંથી ઝેરી પદાર્થો મળી આવ્યા છે. જોકે, તેમાં કોઈ બીમારી થયા હોવાના પૂરાવા નથી મળ્યા.
ઈરાકમાંથી જે દવામાંથી ઝેરી રસાયણો મળી આવ્યા છે તે શરદીની સિરપનું નામ કોલ્ડ આઉટ છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી એક્સપોર્ટ કરવામાં આવેલી દવામાંથી ઝેરી પદાર્થ મળી આવ્યા હોય તેવી આ નવમી ઘટના છે. કોલ્ડ આઉટના લેબલ પરથી જાણવા મળે છે કે તેનું ઉત્પાદન ચેન્નાઈ સ્થિત કંપની ફોરસ્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપની દુનિયાના 50 દેશોમાં દવાની નિકાસ કરે છે જેમાં યુકે, જર્મની અને કેનેડાનો પણ સમાવેશ થાય છે. ફોર્ટસ દ્વારા પુડુચેરી સ્થિત કંપની શારુન ફાર્માને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.