શિવ મંદિરમાં 3000થી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા, વીજળીનો તાર પડ્યો અને કરંટ ફેલાતાં મંદિરમાં નાસભાગ મચી હતી, ચાર જણાં ગંભીર
રીવા
મધ્યપ્રદેશના રીવામાં આજે શ્રાવણના ચોથા સોમવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં શિવ મંદિરમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પર વીજળીનો તાર પડતા નાસભાગ મચી છે. કરંટ લાગતાં 15થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ચારની હાલત અતિ ગંભીર છે. ઈજાગ્રસ્તોને શહેરના સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રીવાનાં દેવતાલાબમાં લૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં આ ઘટના બની છે.
આજે શ્રાવણનો ચોથો સોમવાર હોવાથી ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, ત્યારે રિવામાં આવેલા શિવ મંદિરમાં પણ 3000થી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા. જ્યારે વીજળીનો તાર પડ્યો અને કરંટ ફેલાયો તો મંદિરમાં નાસભાગ મચી હતી. હાલ કલેક્ટર પ્રતિભા પાલ અને એસપી વિવેક સિંહ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.
ઈજાગ્રસ્તોને જિલ્લાના મઉગંજ, નઈ ગડી, દેવતાલાબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટ કરીને કહ્યું કે, હું તમામ શ્રદ્ધાળુઓ જલ્દી સાજા થાય તેવી પ્રાથના કરું છું.
દરમિયાન આ ઘટના અંગે નજરે જોનારા રામાયણ પ્રસાદ મિશ્રાએ કહ્યું કે, આ ઘટના સવારે 11.30 કલાકે બની છે. ચરણ તલૈયાની બાજુમાં આવેલી ગલીથી મંદિર તરફ જવાના માર્કે આ ઘટના બની… નીચે પાણી હોવાના કારણે કરંટ ફેલાયો… આ ઘટનામાં રામાયણ પ્રસાદ મિશ્રાની પત્ની ઈજાગ્રસ્ત થઈ છે, જેમને રીવા હોસ્પિટ લઈ જવાયા છે.