વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખવાથી નીતિશ કુમાર પણ ખુશ નથી, આ નામ રાહુલ ગાંધીએ આપ્યુઃ મંત્રીનો દાવો
પટણા
બિહારનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. હકીકતમાં પટના પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. રામદાસ આઠવલેએ આજે પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિશ કુમારને એનડીએમાં સામેલ થવાની ઓપન ઑફર આપતાં કહ્યું હતું કે, નીતિશ કુમાર સાથે અમારા સારા સંબંધો છે. નીતિશકુમારે ફરી પાછા આવવું જોઈએ.
આ દરમિયાન રામદાસ આઠવલેએ કહ્યું કે, નીતિશ કુમારે મુંબઈની બેઠકમાં ભાગ લેવો જોઈએ નહીં. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખવાથી નીતિશ કુમાર પણ ખુશ નથી. આ નામ રાહુલ ગાંધીએ આપ્યું છે. નીતીશ કુમાર અમારી સાથે આવ્યા હોત તો તેમના માટે સારું સાબિત થાત. ભાજપે ઓછી બેઠકો છતાં નીતિશને મુખ્યમંત્રી બનાવ્યા હતા. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે પટના પહોંચ્યા અને પછાત અને દલિત વર્ગના અધિકારીઓ સાથે બેસીને તેમના વિભાગની યોજનાઓની સમીક્ષા કરી.
આ દરમિયાન તેમણે કહ્યું કે, બિહારમાં પછાત અને દલિત વર્ગના લોકો સાથે હત્યાની ઘટનાઓ વધી છે. બિહારમાં અન્ય રાજ્યો કરતાં વધુ હુમલા થયા છે. સીએમ નીતિશ કુમારે આ વિશે વિચારવું જોઈએ. આટલા વર્ષો સુધી સીએમ હોવા છતાં કામમાં ઘટાડો થયો છે. દલિતો માટે વધુ યોજનાઓ બનાવવાની જરૂર છે. બિહારમાં આંતરજાતીય લગ્ન ખૂબ ઓછા છે. બિહાર સરકાર ઇન્ટરકાસ્ટ મેરેજ પર એક લાખ રૂપિયા આપે છે. સાથે જ કેન્દ્ર સરકાર આંતરજ્ઞાતિય લગ્ન કરનારા લોકોને 2.5 લાખ રૂપિયા આપે છે. કેન્દ્રીય મંત્રીએ લોકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
રોહિણી સમિતિના રિપોર્ટ અંગે રામદાસ આઠવલેએ કહ્યું કે, દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ. પછાત જ્ઞાતિઓની સાથે સામાન્ય જાતિઓની પણ વસ્તી ગણતરી થવી જોઈએ. રોહિણી કમિટિનો રિપોર્ટ હજુ જાહેર કરવાનો બાકી છે. પછાત વર્ગને ત્રણ ભાગમાં વહેંચીને અનામતનો નિર્ણય લેવો જોઈએ. રામદાસ આઠવલેએ કહ્યું કે મહારાષ્ટ્રની રીત બદલાઈ ગઈ છે. તેવી જ રીતે બિહારમાં પણ પરિવર્તન આવવું જોઈએ.