નિયમો અનુસાર વડાપ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાનો હોય છે, વિપક્ષ આ જ હેતુથી આ પ્રસ્તાવ લાવ્યા છે
નવી દિલ્હી
મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જોર લગાડી રહ્યું છે. આ દરમિયાન અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે, લોકસભામાં 2 ઓગસ્ટે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા લાવી શકાય તેવી શક્યતા છે.
સુત્રો આધારે સ્પીકર ઓમ બિરલાની આગેવાની હેઠળની લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) સપ્તાહના કામકાજને અંતિમ સ્વરૂપ આપવા સોમવારે મળવાની સંભાવના છે. આ બેઠક દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 2 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી શકે છે.
તેમણે માહિતી આપી હતી કે સોમવારે બીએસીની બેઠક યોજાવાની છે, જ્યારે વડાપ્રધાન 1 ઓગસ્ટના રોજ પુણેની એક દિવસીય મુલાકાતે આવશે, તેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 2 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા છે. નિયમો અનુસાર વડાપ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાનો હોય છે. વિપક્ષ આ જ હેતુથી આ પ્રસ્તાવ લાવ્યા છે, જેથી વડાપ્રધાનને સળગતા મુદ્દાઓ પર બોલવાની ફરજ પડી છે.
અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભાના અધ્યક્ષે 26 જુલાઈએ સ્વીકારી લીધો હતો. કૉંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા નિયમ 193 હેઠળ લાવવામાં આવેલ પ્રસ્તાવમાં કહ્યું કે, તેમને કેન્દ્રીય મંત્રી પરિષદમાં કોઈ વિશ્વાસ નથી. એકવાર સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવની પ્રાપ્તિની ઘોષણા કરી, તેમણે આ પગલાને સમર્થન આપતા સાંસદોની સંખ્યા જાણવા માંગી. જ્યારે તેમણે સમર્થકોને ઊભા રહેવા કહ્યું ત્યારે કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, જેડી-યુ, નેશનલ કોન્ફરન્સ, એનસીપી, આપ, સમાજવાદી પાર્ટી અને શિવસેના-યુબીટી સાંસદો સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના સભ્યો ઉભા થઈ ગયા.