હરિયાણા-ભરતપુર બોર્ડર પર કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક ખૂણા પર પોલીસ તૈનાત
ભરતપુર
હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાર બાદ હવે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા સાવચેતીના પગલા તરીકે ભરતપુર જિલ્લાના 4 તાલુકાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભરતપુરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિયાણા-ભરતપુર બોર્ડર પર કડક નાકાબંધી કરવામાં આવી છે અને દરેક ખૂણા પર પોલીસ તૈનાત છે.
ભરતપુરના પોલીસ અધિક્ષક મૃદુલ કાચવાએ કહ્યું કે, જિલ્લામાં સુરક્ષાને ધ્યાને રાખીને દેખરેખ વધારી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હરિયાણાની સરહદે આવેલા વિસ્તારોમાં તકેદારી રાખવામાં આવી રહી છે.
ગઈકાલે હરિયાણાના નુહ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ દુર્ગા વાહિની અને બજરંગ દળની બ્રજમંડલ 84 કોસ શોભા યાત્રાને રોકવા માટે એક સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ થયેલી હિંસા અને આગચંપીની ઘટનાઓમાં બે હોમગાર્ડ સહિત કુલ 4 લોકો માર્યા ગયા હતા અને લગભગ 12થી પણ વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હોમગાર્ડ જવાન નીરજનું ગોળી વાગવાથી મોત થયું હતું. હિંસામાં માર્યા ગયેલા બીજા હોમગાર્ડ જવાનની ઓળખ ગુરસેવક તરીકે થઈ હતી. આ પરિસ્થતિના આધારે ત્યાં ઈન્ટરનેટ સેવા પણ બંધ છે અને કલમ 144 લાગવામાં આવી દીધી છે.