તમામ ખેલાડી મહેનત કરે છે, કોઈ પણ ઘમંડી નથીઃ રવીન્દ્ર જાડેજા

Spread the love

ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથીઃ ખેલાડીની સ્પષ્ટતા


બાર્બાડોસ
ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી હતી જ્યારે વનડે સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે આજે રમાશે. બીજી વનડેમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ભારતીય ટીમ પર ખુબ ગુસ્સે થયા હતા. કપિલ દેવે ભારતીય ટીમના ખેલાડીઓને અહંકારી અને ઘમંડી પણ કહ્યાં હતા. ત્રીજી વનડે પહેલા જ્યારે રવિન્દ્ર જાડેજાને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આરામથી જવાબ આપ્યો હતો, પરંતુ તેમના જવાબમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે ટીમના તમામ સાથી ખેલાડીઓ ખૂબ મહેનત કરે છે અને તેમાંથી કોઈને પણ કોઈ પ્રકારનો અભિમાન કે અહંકાર નથી. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓમાં ઘણો અહંકાર છે અને તેઓ ઘમંડી છે.
જાડેજાએ કહ્યું, ‘ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથી. ટીમના ખેલાડીઓમાં અહંકાર કે અભિમાન નથી. દરેક ખેલાડી સખત મહેનત કરે છે, દરેક ખેલાડી ટીમ માટે સારું કરવા માંગે છે.
ભારતીય ટીમે પ્રથમ બે વનડેમાં ઘણા પ્રયોગો કર્યા છે. આ પાછળ ટીમ મેનેજમેન્ટનો શું ઈરાદો છે તે જણાવતા જાડેજાએ કહ્યું, ‘કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ જાણે છે કે ક્યા કોમ્બિનેશનની જરૂર છે, તેઓ જાણે છે કે કઈ પ્રકારની પ્લેઈંગ ઈલેવન હોવી જોઈએ. અમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે એશિયા કપમાં ભારતીય ટીમનું કયું કોમ્બિનેશન હશે. આ સિરીઝ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલાની સિરીઝ છે, જ્યાં આપણે નવા પ્રયોગો કરી શકીએ છીએ, નવા કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે એશિયા કપ કે વર્લ્ડ કપ રમવા જઈશું ત્યારે આ પ્રયોગ આપણે કરી શકીશું નહીં. તે સારી વાત છે કે અમને ટીમની મજબૂત બાજુ અને ટીમનું સંતુલન પણ જાણવા મળશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *