મણિપુરમાં સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણ બહાર છેઃ ડીવાય ચંદ્રચૂડ

Spread the love

મણિપુરમાં હિંસા સંદર્ભે 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી હોવાની કોર્ટમાં કેન્દ્રની સ્પષ્ટતા


નવી દિલ્હી
મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણની બહાર છે. પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકી નથી. મેથી જુલાઈ સુધી કાયદો અને વ્યવસ્થા સ્થગિત થયેલી છે.
ગઈકાલે કરવામાં આવેલ સુનવણીમાં કોર્ટે સરકારને પૂછ્યું કે, 4 મેના રોજ બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી તેના પર 14 દિવસ પછી 18 મેના રોજ એફઆઈઆર કેમ નોંધવામાં આવી ત્યાં સુધી કોઈ કાર્યવાહી પોલીસે કેમ ન કરી? કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી નોંધાયેલા 6000 કેસમાંથી કેટલા કેસ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સાથે જોડાયેલા છે.
તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે અમને વધુ તપાસ માટે શુક્રવાર સુધીનો સમય આપવામાં આવે. અમને રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરવાનો પણ સમય મળ્યો નથી. આ દરમિયાન એટર્ની જનરલ વેંકટરામણીએ કહ્યું કે, આ સમયે પણ રાજ્યમાં સ્થિતિ ગંભીર છે. કોર્ટમાં સામા પક્ષે કહેલી વાતોની ત્યાં પણ અસર થશે. મહેતાએ કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાના 11 કેસ સીબીઆઈને સોંપવામાં આવે. અમે બાકીનું વર્ગીકરણ કોર્ટને ઉપલબ્ધ કરાવીશું. તેના આધારે નિર્ણય લેવો જોઈએ.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો છે. તે હકીકતો પર આધારિત છે, ભાવનાત્મક દલીલો પર નહીં. તમામ પોલીસ સ્ટેશનોને મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને ઝડપી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય પોલીસે મહિલાઓની જાતીય સતામણી સાથે સંબંધિત એક વીડિયોના સંબંધમાં એક સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી છે.
આ ઉપરાંત, અદાલતે તપાસની દેખરેખ માટે નિવૃત્ત ન્યાયાધીશો અથવા વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે, કોર્ટ રાજ્ય પોલીસ આ મામલાની તપાસ કરવા માંગતી નથી કારણ કે તેણે મહિલાઓને તોફાની ટોળાને સોંપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *