આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધ્યા બાદ છોકરીઓ અથવા મહિલાઓ ખોટા આરોપો પર એફઆઈઆર નોંધીને ખોટો ફાયદો ઉઠાવે છે
અલ્હાબાદ
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, છોકરીઓ કે મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળી છે, તેથી તેઓ છોકરાઓ કે પુરુષોને સરળતાથી ફસાવી શકે છે. મોટી સંખ્યામાં આવા કિસ્સાઓ કોર્ટમાં આવી રહ્યા છે, જેમાં આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધ્યા બાદ છોકરીઓ અથવા મહિલાઓ ખોટા આરોપો પર એફઆઈઆર નોંધીને ખોટો ફાયદો ઉઠાવે છે.
દુષ્કર્મના કેસમાં દાખલ વારાણસીના આરોપીના જામીન અરજીની સુનાવણી બાદ જસ્ટિસ સિદ્ધાર્થે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, મોટી સંખ્યામાં દુષ્કર્મના કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં છોકરીઓ અને મહિલાઓ આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખોટા આરોપો પર એફઆઈઆર નોંધીને તેનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે. કોર્ટેને ઘણા કેસોમાં જાણવા મળ્યું છે કે, જ્યારે તેમનું વર્તન ભારતીય સામાજિક અને પારિવારિક ધોરણો સાથે વિરોધાભાસી હોય, ત્યારે પરિવારના સન્માનની રક્ષા માટે છોકરી વતી ખોટી અને બોગસ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે.
કોર્ટે કહ્યું કે, આવા કેસમાં જે એફઆઈઆર પોલીસ સ્ટેશનોમાં લેખિત અરજીઓ આપીને દાખલ કરવામાં આવે છે, તેમાં હંમેશા ખોટી રીતે ફસાવવાનો ભય રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં, એફઆઈઆર અત્યંત કાળજી અને ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવે છે. એક મજબૂત કેસ બનાવવા અને આરોપીઓને કડક સજા મળે તે માટે તેમાં ખોટી રીતે સામગ્રી સામેલ કરવામાં આવી છે. વકીલો પર પણ આવા ખોટા આરોપો લગાવવામાં આવે છે, જેમાં આરોપીને સરળતાથી જામીન મળતા નથી. તેથી, આવા કેસોમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં સુધારો કરવાની જરૂર છે. કાયદો પણ પુરૂષો પ્રત્યે અત્યંત પક્ષપાતી છે તેથી જાતીય અપરાધો સંબંધિત કેસોમાં આરોપીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. તેમની બાજુ પણ ગંભીરતાથી સાંભળવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જાતીય અપરાધો સાથે સંબંધિત કેસોના નિકાલમાં નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવો જોઈએ. કેસની હકીકતો અનુસાર, વિવેક કુમાર મૌર્ય વિરુદ્ધ સારનાથ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, છેડતી, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે એફઆઈઆરમાં દર્શાવેલ તથ્યોને ખોટા ગણાવ્યા અને તેના આધારે આરોપીના જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા.