અલ્હાબાદ હાઈકોર્ટે આ કૃત્યને માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાવ્યું
પ્રયાગરાજ
લિવ-ઈન રિલેશનશિપનો ટ્રેન્ડ પણ જબરદસ્ત વધી ગયો છે. ઘણીવાર આવા કિસ્સાનો કરુણ અંત આવતો હોય છે. તેવામાં અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં આ અંગે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં તેમ કહ્યું હતું અને આ કૃત્યને માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાવ્યું હતું. જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-IVની બનેલી ડિવિઝન બેન્ચે 17 વર્ષના મુસ્લિમ છોકરા અને તેની 19 વર્ષીય હિંદુ લિવ-ઈન પાર્ટનર છોકરી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને ફગાવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘લિવ-ઈન રિલેશન માટે ઘણી શરતો છે જેને લગ્નના સંબંધ તરીકે જોવામાં આવે છે અને કોઈ પણ સ્થિતિમાં વ્યક્તિ પુખ્ય વયની (18 વર્ષથી ઉપરની ઉંમર) હોવી જોઈએ. જો કે, અહીં છોકરાની ઉંમર લગ્નને પાત્ર ન હોવાથી બંને લિવ-ઈનમાં રહી શકે નહીં. તે માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાશે’.
’18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતો છોકરો કોઈ પુખ્ય વયની છોકરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોવાના આધારે રક્ષણ મેળવી શકે નહીં. તે તેની સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માગ કરી શકે નહીં. કારણ કે તેની આ પ્રવૃતિ માન્ય નથી અને આમ તે ગેરકાયદેસર છે’, તેમ કોર્ટે ઉમેર્યું હતું. ‘જો પરવાનગી આપવામાં આવે તો તે ગેરકાયદેસર પ્રવૃતિને મંજૂરી આપવા સમાન ગણાશે અને તેથી તે આપણા સમાજના હિતમાં રહેશે નહીં. અમે આવી અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ પર મંજૂરીની મહોર લગાવવા માટે તૈયાર નથી’, તેમ કોર્ટે આગળ ટિપ્પણી કરી હતી.
બંને અરજદારોએ તેમની સંયુક્ત અરજીમાં કથિત રીતે યુવતીનું અપહરણ કરવા પર છોકરા સામે આઈપીસીની કલમ 363 તેમજ 366 હેઠળ નોંધવામાં આવેલી ફરિયાદને રદ્દ તેમજ તેની ધરપકડ ન કરવાની વિનંતી કરી હતી. ફરિયાદ યુવતીના પરિવાર દ્વારા નોંધવામાં આવી હતી. કેસની હકીકતને ધ્યાનમાં લેતા, કોર્ટે હાલમાં જ આવા કેસમાં આપેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે અરજી કરનાર છોકરો મુસ્લિમ છે અને તેનો હિંદુ છોકરી સાથેનો સંબંધ મુસ્લિમ કાયદા પ્રમાણે ‘ઝીના’ છે અને તેથી તે અસ્વીકાર્ય છે.
કોર્ટે આગળ કહ્યું હતું કે, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે અને આવું બાળક લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે નહીં, તે અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ છે. કોર્ટે ઉમેર્યું હતું કે આવા સંબંધોને કોઈ પણ રક્ષણ પૂરુ પાડવામાં આવતું નથી, જો કે પુખ્ય વયની બે વ્યક્તિઓને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે અને તે હદ સુધી કે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ રક્ષણ કરવું જોઈએ. ‘લિવ-ઈન રિલેશનશિપ પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો નથી, જે હાલના કસમાં લગ્ન પહેલા સેક્સ છે. જો કે, આ કેસમાં છોકરો પુખ્ય વયનો નથી અથવા તેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોવાના કારણે તે બાળકમાં ગણાશે અને આમ આવા સંબંધોને મંજૂરી આપી શકાય નહીં’, તેમ કોર્ટે અંતમાં કહ્યું હતું.