બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

Spread the love

નવી દિલ્હી
બ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક દિવસ પહેલા એક વ્યક્તિએ ખુદને સગીર છોકરીનો કાકા બતાવી તેની સાથે સંકળાયેલા દસ્તાવેજો પ્રેસ સમક્ષ રજૂ કરી દીધા હતા. તેમાં એ વ્યક્તિએ દાવો કર્યો હતો કે આરોપ લગાવનારી છોકરી સગીરા નથી.
આ મામલે સ્વાતિ માલીવાલે ટ્વિટ કરી લખ્યું કે એક વ્યક્તિ ખુદને બ્રિજભૂષણ વિરુદ્ધ ફરિયાદ કરનારી સગીરા બાળકીને કાકા બતાવે છે. તેની સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ તેણે પીડિતા સમક્ષ રજૂ કરી દીધા. પોલીસનું હું આ મામલે ધ્યાન દોરી રહી છું. આ વ્યક્તિ સામે પણ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરો. સ્વાતિ માલીવાલે કહ્યું કે શું એટલા માટે જ બ્રિજભૂષણને છોડી રાખ્યા છે જેનાથી પીડિતા પર દબાણ વધારી શકાય?
ભાજપ સાંસદ બ્રિજભૂષણનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પહેલવાનોના આરોપો અંગે કહ્યું કે જો મારી સામેના આરોપો સાબિત થશે તો હું ફાંસીના માંચડે લટકી જઈશ. આ ખેલાડીઓની સફળતા પાછળ મારો હાથ છે. ૧૦ દિવસ પહેલા સુધી તેઓ મને કુશ્તીનો ભગવાન કહેતા હતા. હવે જાતીય શોષણનો આરોપ મૂકી રહ્યા છે. જો તેમની પાસે પુરાવા હોય તો પોલીસને આપે, કોર્ટમાં આપે પણ આ ઈમોશનલ ડ્રામા બંધ કરી દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *