પોલીસે રાત્રે દરોડા પાડ્યા અને પીડીપીના ઘણા નેતાઓને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા હોવાનો કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાનનો દાવો
જમ્મુ
જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. દરમિયાન પીડીપી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, તેમની સાથે અન્ય ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, ‘પીડીપીના અન્ય સીનીયર નેતાઓ સાથે અમને નજરકેદ કરવામાં આવ્યા છે. પોલીસે રાત્રે દરોડા પાડ્યા અને અમારા ઘણા નેતાઓને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાનો ભારત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
મહેબૂબા મુફ્તીએ ટ્વીટની સાથે બે તસવીરો પણ શેર કરી છે જેમાં ગેટ પરનું તાળું જોઈ શકાય છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ આ અવસર પર સેમિનારનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. જોકે, વહીવટીતંત્રે તેમને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. મુફ્તીએ ટ્વીટમાં વધુમાં કહ્યું કે, એક તરફ શ્રીનગરમાં મોટા હોર્ડિંગ્સ લગાવીને લોકોને ઉજવણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ બળ દ્વારા લોકોની અસલી ભાવનાઓને દબાવવામાં આવી રહી છે. એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે સંજ્ઞાન લેશે અને આગામી દિવસોમાં સુનાવણી દરમિયાન તેને ધ્યાનમાં રાખશે.
પીડીપીનો દાવો છે કે, વહીવટીતંત્ર અનુચ્છેદ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર એક કાર્યક્રમનું આયોજન કરવા માંગતું હતું પરંતુ પ્રશાસને તેમને આ મામલે મંજૂરી આપી ન હતી. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવી હતી. આ પછી સરકારનો દાવો છે કે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે અને સ્થિતિ સામાન્ય છે. આ સમયે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધની અરજીઓ પર પણ સુનાવણી ચાલી રહી છે.