વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર, કોંગ્રેસમાં ખુશીની લહેર
નવી દિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા મળશે. વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે મોદી માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી તેના બાદથી તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. જોકે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આંચકો આપ્યો હતો અને સજા યથાવત્ રાખી હતી. જોકે છેવટે સુપ્રીમકોર્ટે આ મામલે સવાલો ઊઠાવતાં તેમને રાહત આપી હતી. જેના પછી રાહુલ ગાંધીની સજા પર રોક લગાવાઈ હતી.
લોકસભા સચિવાલય તરફથી આ મામલે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. હવે રાહુલ ગાંધી ફરીવાર સંસદમાં જોવા મળશે. તેઓ તાજેતરમાં ચોમાસા સત્રમાં પણ ગૃહમાં જોવા મળી શકે છે. તેમનું સાંસદ પદ મેળવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરાયા બાદ માત્ર લોકસભા સ્પીકરની મંજૂરી મેળવવા માટે જ આ મામલો અટવાઈ રહ્યો હતો. હવે આ મંજૂરી મળતાં સંસદ પહોંચાવાનો રાહુલનો માર્ગ સાફ થઈ ગયો છે.
એનસીપી નેતા અને લક્ષદ્વીપના સાંસદ પી.પી. મોહમ્મદ ફૈઝલના કેસમાં બહાલીમાં એક મહિનાથી વધુ સમય લાગી ગયો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવતા કહ્યું હતું કે ટ્રાયલ જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે.