ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે
સિડની
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પહોંચનારી ટોપ-4 ટીમો વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. મેકગ્રાના મતે યજમાન ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો સેમિફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.
મેકગ્રાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ પહેલા ભારત સામેની વનડે સિરીઝમાં રમવાનો ફાયદો થશે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે આઈસીસી ઈવેન્ટ્સમાં પ્રભુત્વ જમાવ્યું છે. મેકગ્રાનું માનવું છે કે આ બંને ટીમો માટે અંતિમ ચારમાં પહોંચવાની આ શ્રેષ્ઠ તક છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ વનડેની ટીમ કરતા ઘણી અલગ છે, મને લાગે છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવનારી ટોચની ચાર ટીમોમાંની એક છે.
ગ્લેન મેકગ્રાએ વધુમાં કહ્યું, ‘ઓસ્ટ્રેલિયાને મોટી ટૂર્નામેન્ટ અને મોટી મેચોમાં ભાગ લેવાનું પસંદ છે. તેઓ આવા પ્રસંગોએ સારું પ્રદર્શન કરે છે અને પૂરતો અનુભવ પણ ધરાવે છે. ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ પણ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટની તૈયારી માટે પૂરતી મેચો રમવાની તક મળશે. મેં આ લિસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડને પણ સામેલ કર્યા છે. ઈંગ્લેન્ડ તાજેતરમાં સારી વનડે ક્રિકેટ રમી રહ્યું છે. હું આમાં પાકિસ્તાનને પણ સામેલ કરીશ.