જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા
વૈલુકુ (અમેરિકા)
અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભયંકર આગ લાગતા ૩૬ લોકોનાં મોત થયા છે. જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં.
લાહિનાની આગ સમગ્ર દ્વીપમાં ફેલાઇ ગઇ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેને જોઇને હજારો રહેવાસીઓ પોતાના ઘરો છોડીને ભાગવા લાગ્યા હતાં. આમ છતાં ૩૬ લાકોનાં મોત થયા હતાં અને અનેક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં.માઉઇ કાઉન્ટીએ જારી કરેલા નિવેદન અનુસાર આગમાં અત્યાર સુધીમાં ૩૬ લોકોનાં મોત થયા છે. કાઉન્ટીએ જારી કરેલા નિવેદન અનુસાર દક્ષિણની તરફથી પસાર થઇ રહેલા તોફાનને કારણે જંગલમાં લાગેલી આગ તીવ્ર બની હતી. આ આગને કારણે અનેક કારો બળીને ખાક થઇ ગઇ હતી. અનેક ઐતિહાસિક ઇમારતો પણ બળી ગઇ છે.
સમગ્ર રાત આગની જવાળાઓ ઉઠતા અનેક લોકો આગથી બચવા માટે સમુદ્રમાં પણ કૂદી પડયા હતાં. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૨૭૧ ઇમારતોને નુકસાન થયું છે અથવા નાશ પામી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં કેલફોર્નિયામાં લાગેલી આગમાં ૮૫ લોકોનાં મોત થયા હતાં. તે વખતે ૧૯૦૦૦ ઇમારતો નાશ પામી હતી.
અમેરિકાના પ્રમુખ જો બાઇડેને જણાવ્યું છે કે તેમણે તમામ ઉપલબ્ધ ફેડરલ એજન્સીઓને મદદ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હવાઇ નેશનલ ગાર્ડે માઉઇ પર આગ પર અંકુશ મેળવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. બાઇડેને વધુમાં જણાવ્યું છે કે લોકોએ પોતાના ઘરો, બિઝનેસ અને સમુદાયોને નાશ પામતા જોયા છે. અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.
પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ઓબામાનો જન્મ હવાઇમાં થયો હતો.