યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં માતા-પિતા બંને વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારો વધારે છે
લંડન
તમામ આધુનિક દેશોમાં બાળકોનો જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે જેમાં યુકે પણ સામેલ છે. યુકેના ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષે બાળકોનો જન્મદર છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જોકે, ભારત જેવા દેશોથી આવેલા લોકોએ ઉંચો જન્મદર જાળવી રાખ્યો છે. યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં માતા-પિતા બંને વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારો વધારે છે. એટલે કે યુકેની ડેમોગ્રાફીમાં પરિવર્તન આવી રહ્યું છે.
ગયા વર્ષે યુકેમાં જે બાળકોનો જન્મ થયો તેમાંથી 23 ટકા બાળકોના માતાપિતા બંને વિદેશી હતા. 2008માં આ પ્રમાણ 17 ટકા જેટલું હતું. એક વર્ષ અગાઉ 21 ટકા બાળકો એવા હતા જેના માતાપિતા બંને વિદેશમાં જન્મયા હતા. એટલે કે વિદેશથી આવેલા લોકોના કારણે જ યુકેમાં જન્મદરને ટેકો મળ્યો છે. તેના વગર યુકેની વસતીને મોટી અસર થાય તેમ છે. લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે યુકે બહારની મહિલાઓએ વધારે બાળકોને જન્મ આપ્યો છે.
યુકેમાં યુકે બહારની મહિલાઓ જે બાળકોને જન્મ આપે છે તેમાં અત્યાર સુધી રોમાનિયા આગળ હતું, પરંતુ હવે તેની જગ્યાએ ભારત આવી ગયું છે. 2022માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 605,479 બાળકોનો જન્મ થયો હતો તેમ ડેટા દર્શાવે છે. 2021માં અહીં 624,828 બાળકોનો જન્મ થયો હતો. એટલે કે જન્મની સંખ્યા 3.1 ટકા ઘટી છે અને 2002 પછી આ સૌથી નીચો આંકડો છે. કોવિડ આવ્યો તે અગાઉથી યુકેમાં બાળકોના જન્મદરમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો અને હવે આ ટ્રેન્ડમાં ગતિ આવી છે.
2022માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જે બાળકોનો જન્મ થયો તેમાંથી 30 ટકા બાળકોનો જન્મ આપનારી માતા યુકે બહારની હતી. તેનાથી અગાઉ, એટલે કે 2021માં આવા બાળકોનું પ્રમાણ 28.8 ટકા હતું.
યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં યુકે બહારની મહિલાઓનો હિસ્સો વધ્યો છે અને તેમાં સૌથી વધારે ભારતીય હોય છે, જ્યારે યુકે બહારના પુરુષોમાં પાકિસ્તાન સૌથી કોમન દેશ છે. ભારતીય માતાઓએ કુલ 17,745 બાળકોને જન્મ આપ્યો હતો. 2021માં આ સંખ્યા 15,260 હતી. એટલે કે એક વર્ષમાં 16 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધી રોમાનિયાના દંપતીઓ યુકેમાં બાળકોને જન્મ આપવામાં આગળ હતા, પરંતુ હવે તે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
યુકેમાં અફઘાન માતા કે પુરુષના બાળકોના જન્મમાં પણ વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત અફઘાનિસ્તાન એ મોસ્ટ કોમન દેશ તરીકે ઉભરી આવ્યો છે જ્યાંની મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હોય. યુકેએ અફઘાનિસ્તાન માટે રિસેટલમેન્ટ સ્કીમ શરૂ કરી ત્યાર પછી અફઘાનોના આગમનમાં વધારો થયો છે. જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળકોનો જન્મદર ચિંતાજનક હદે ઘટ્યો છે. યુકેમાં જન્મેલી માતાઓએ પેદા કરેલા બાળકોની સંખ્યા 2021માં 4.22 લાખથી ઘટીને 2022માં 4.45 લાખ થઈ ગઈ હતી.
યુકેમાં સામાજિક ચિત્ર પણ બદલાઈ રહ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન અથવા સિવિલ પાર્ટનરશિપ બહાર પેદા થયેલા બાળકોની સંખ્યા લગ્નસંબંધોથી જન્મેલા બાળકોની સંખ્યા કરતા વધારે છે. 2022માં કુલ જે બાળકોનો જન્મ થયો તેમાંથી 51 ટકા એટલે કે 3.11 બાળકોનો જન્મ લગ્ન બહારના સંબંધોથી અથવા સિવિલ પાર્ટનરશિપ વગર થયો હતો. ઓક્ટોબરમાં યુકેમાં સૌથી વધારે બાળકો જન્મયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં સૌથી નીચો જન્મદર નોંધાયો હતો.