
સિડની
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડે સ્વિકાર્યું કે શ્રેણીની નિર્ણાયક પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રિત બુમરાહની ગેરહાજરીએ બોલરોને અનુકૂળ એસસીજી પર ઓસ્ટ્રેલિયાના વિજયમાં મોટી ભૂમિકા ભજવી હતી.
પીઠના સ્નાયુ ખેંચાઈ જતા બુમરાહ શ્રેણીની બોલરો માટે સૌથી લાભદાયક વિકેટ પર બોલિંગ કરી ન શકતા ભારત એક દાયકામાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવા માટેના 162 રનના નાના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગયું હતું.
બુમરાહની સિરીઝ પર એવી જોરદાર અસર હતી કે ઓસ્ટ્રેલિયનોને ખબર પડી કે ઈજાગ્રસ્ત પેસર મેદાનમાં ઉતરશે નહીં તો તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ લાંબી શ્રેણીમાં ખ્વાજા સૌથી વધુ બુમરાહથી પીડિત હતો.
“હું હમણાં જ બુમરાહને સમજી શક્યો હતો. તે અઘરું કામ હતું. મારે દરેક વખતે નવા બોલ સાથે આ વ્યક્તિનો સામનો કરવો પડ્યો હતો.
“તમે ક્યારેય કોઈને ઈજાગ્રસ્ત જોવા માંગતા નથી અને તે શરમજનક છે પરંતુ અમારા માટે ભગવાનનો આભાર માનવા સામાન બાબત રહી. આ વિકેટ પર તેનો સામનો કરવો એક સંપૂર્ણ દુઃસ્વપ્ન બની ગયું હોત. અમે તેને ત્યાં ન જોયો કે તરત જ અમે વિચાર્યું ‘ઠીક છે,’ અમને અહીં તક મળી છે’,” ખ્વાજાએ એબીસી સ્પોટર્સને કહ્યું.
ટેસ્ટ ક્રિકેટમાં 5500 થી વધુ રન બનાવનારા 38 વર્ષીય ખ્વાજાએ કહ્યું કે બુમરાહે તેની સામે રન બનાવવાની કોઈ તક આપી નહતી.
” મેં સામનો કરેલા બોલર્સમાં તે સૌથી મુશ્કેલ બોલર છે. અને મેં 2018માં તેનો સામનો કર્યો હતો. તેણે મને એક વાર આઉટ કર્યો, તે ઠીક હતો, તે સારો હતો પરંતુ તે આ વર્ષે કંઈક જુદો જ હતો.” એમ ખ્વાજાએ જણાવ્યું હતું.
બુમરાહ, જેણે સિરિઝમાં 13.06 ની એવરેજથી 32 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો હતો, તેણે છ વખત આ બેટરને આઉટ કર્યો હતો.
બુમરાહનો સામનો કરવો ખૂબજ મુશ્કેલ કાર્ય શા છે તે વિશે પૂછવામાં આવતા, ખ્વાજાએ કહ્યું, “વિકેટોએ તેને ચોક્કસપણે મદદ કરી છે. તે છ વર્ષના અનુભવ સાથે વધુ પરિપક્વ છે. તે તેની કુશળતાને સમજે છે અને તે કોની સામે બોલિંગ કરી રહ્યો છે.
“તે દરેક માટે અલગ-અલગ યોજનાઓ ધરાવે છે. મને હંમેશા એવું લાગતું હતું કે ગમે તેટલો સારો બોલર હોય, હું હંમેશા રન બનાવવા માટે કંઈક મેળવી શકું છું, પરંતુ મને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેનો સામનો કરવો ખૂબજ મુશ્કેલ છે. હું હવે પથી તેનો સામનો કરવા નહીં ઈચ્છું, ભગવાનનો આભાર.” બ્રોડકાસ્ટર્સ સાથે ચેટ દરમિયાન ખ્વાજાના અભિપ્રાયોને ડાબા હાથના બેટર ટ્રેવિસ હેડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
“મને લાગે છે કે ત્યાં 15 લોકો ખરેખર ખુશ હતા કે બુમરાહે આજે બોલિંગ નથી કરવાનો. તે એક શાનદાર પર્ફોર્મર છે, તેનો આ અસાધારણ પ્રવાસ હતો,”એમ હેડે કહ્યું.
હેડ, જેણે રવિવારે અણનમ 34 રન સાથે કરતા પહેલા શ્રેણીમાં બે મોટી સદીઓ ફટકારી હતી, તેણે ચોથી વિકેટ માટે ખ્વાજા સાથે તેની 46 રનની ભાગીદારીથી ટીમનો વિજય નિશ્ચિત બનાવ્યો હતો.
” યોગદાન માટે આનંદ થયો, હું પરિણામો વિશે વધુ ચિંતા કરતો નથી. બે મહાન ટીમોના મુકાબલામાં જોરદાર યોગદાન આપવું સારી વાત જ છે. હંમેશની જેમ સમાન અભિગમ સાથે મને લાગ્યું કે હું સારી રીતે આગળ વધી રહ્યો છું, હું જાણું છું કે જો હું ઉસ્માન સાથે ભાગીદારી બનાવી શકીશું અમે સારી સ્થિતિ મેળવી શકીશું.
“અહીંની છેલ્લી સિરીઝ તેઓ અસાધારણ રીતે સારી રીતે રમ્યા હતા, પર્થમાં પણ તેઓએ અમને બેકફૂટ પર લાવી દીધા હતા. પાંચ ટેસ્ટ મેચ ખૂબ જ રસપ્રદ હતી, જે ખેલાડીઓ પાંચેય ટેસ્ટમાંથી પસાર થયા હતા તેઓ કદાચ થોડા સમયની રજાનો ઈંતેજાર કરી રહ્યા છે. મીડિયાનું પણ ઘણું ધ્યાન રહ્યું છે. ” એમ હેડે કહ્યું હતું.