રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
મોસ્કો
ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા ત્યારે તૂટી ગઈ જ્યારે તેનું ચંદ્ર મિશન લુના-25 ક્રેશ થયું. લુના-25ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે રશિયાના ટોચના ભૌતિકશાસ્ત્રીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મળેલા અહેવાલો અનુસાર રશિયાના લુના મિશનના ક્રેશના થોડા કલાકો પછી રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહેવાલો મુજબ લુના-25 મિશનની નિષ્ફળતાથી તેમને ઝટકો લાગ્યો છે. દાખલ થયા બાદ હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા મિખાઈલ મારોવે ચંદ્ર મિશનની નિષ્ફળતા પર કહ્યું હતું કે ‘તપાસ હજુ ચાલુ છે પરંતુ મારે શા માટે ચિંતા ન કરવી જોઈએ, તે મારા સંપૂર્ણ જીવનનો સવાલ છે, હું તેનાથી દુખી છું.
મારોવે કહ્યું કે ‘અમે ચંદ્ર પર યોગ્ય રીતે લેન્ડિંગ ન કરી શક્યા, તે દુઃખદ છે. મારા માટે અમારો મૂન પ્રોગ્રામ ફરીથી શરૂ કરવાની આ છેલ્લી તક હતી. લુના-25 મિશન સાથે રશિયાએ સોવિયેત યુગના લુના પ્રોગ્રામને પુનઃપ્રારંભ કરવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ રવિવારે રશિયન અવકાશ એજન્સી રોસકોસમોસે પુષ્ટિ કરી હતી કે લુના-25 મિશન સાથેનો સંચાર તૂટી ગયો હતો. ત્યાર બાદ તે ક્રેશ થયું અને મિશન નિષ્ફળ ગયું.
રશિયન સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે લુના-25 મિશન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ટેકનિકલ ખામીને કારણે નિયંત્રણ બહાર જતું રહ્યું હતું અને આખરે ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. રશિયન સ્પેસ એજન્સીનો શનિવારે જ લુના-25 સાથે સંપર્ક તૂટી ગયો હતો. ગઈકાલે લુના-25 ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.