કુશનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયેલો મળ્યો હતો પરંતુ બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની ઓળખ કરાઈ
લંડન
અમદવાદનો યુવક કુશ પટેલ લંડનમાં છેલ્લા 11 દિવસથી ગુમ થયો હતો ત્યારે હવે તેનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ભણવા ગયો હતો. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેનો મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયેલો મળ્યો હતો પરંતુ બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની ઓળખ કરી હતી.
અમદાવાદના શહેરના નરોડા વિસ્તારનો રહેવાસી કુશ પટેલ ગત વર્ષે જ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધુ હતું. કુશ લંડન ગયા બાદ નિયમીત પણે તેમના પરિવારને ફોન કરીને વાતચીત કરતો હતો. જો કે તે છેલ્લા 11 દિવસથી પરિવારના સંપર્કમાં ન હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમણે કુશના રુમ પાર્ટનર સાથે કોન્ટેક્ટ કરીને તેની સાથે વાત કરી હતી પણ રુમમેટને પણ તેના વિશે કોઈ જાણ ન હતી તેથી માતા-પિતાએ વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેના પગલે પોલીસે કુશની શોધખોળ શરુ કરી હતી.
પોલીસે અનેક જગ્યાએ કુશની શોઘખોળ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમ છંતાપણ કોઈ ભાળ મળી ન હતી. બીજી તરફ તેના લાસ્ટ લોકેશનના આધારે શોધખોળ કરતા તેનું લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યુ હતું, જો કે પોલીસને કુશ પટેલ ત્યા પણ મળ્યો ન હતો. છેલ્લે 19મી ઓગસ્ટે મોડી રાત્રે લંડન બ્રિજના છેડાથી કુશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને ડીએનએ માટે મોકલ્યો હતો જેમાં મૃતદેહ કુશ પટેલનો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે દ્વારા કુશના મોતની જાણ તેના મિત્રોને તેમજ કુશના પરિવારજનોને કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કુશ પટેલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો અને પોલીસે પણ આ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી હતી જેમાં આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હતું.