બચાવ કામગીરી માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જોરદાર દબાણને કારણે બીજો કેબલ તૂટવાનો ભય હોઈ તેને પાછુ બોલાવવામાં આવ્યું
કરાંચી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી એક ઘટના સામે આવી રહી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે જ અટવાઈ ગયા છે. આ કેબલ કારમાં છ વિદ્યાર્થીઓ સહિત 8 લોકો ફસાયા છે.
મળતી માહિતી પ્રમાણે પખ્તૂનખ્વામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેબલ કારમાં અધવચ્ચે ફસાઇ જતાં તેમને બચાવવા માટે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ પવનના જોરદાર દબાણને કારણે બીજો કેબલ તૂટવાનો ભય છે. તેથી તેને પાછુ બોલાવવામાં આવ્યુ છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક દૂરના પર્વતીય ભાગમાં બાળકો શાળાએ જવા માટે ખીણ પાર કરવી પડે છે અને તે ખીણ પાર કરવા માટે બાળકો કેબલ કારનો ઉપયોગ કરે છે. બાળકો શાળાએ જઇ રહ્યાં હતા ત્યારે એક કેબલ તૂટી ગયો હતો. કેબલ કારમાં ફસાયેલા ગુલફરાઝે પાકિસ્તાનની ટેલિવિઝન ચેનલને ફોન પર કહ્યું કે, “ભગવાનની ખાતર અમારી મદદ કરો.” કારમાં 8 લોકો છે તે વાતની પુષ્ટિ પણ કરી.
કેબલ કારમાં ફસાયેલા એક વ્યક્તિએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, “અમે હવામાં ફસાયાને લગભગ પાંચ કલાક થઈ ગયા છે. હાલત એટલી ખરાબ છે કે, એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. એક હેલિકોપ્ટર આવ્યું પણ કોઈ ઓપરેશન કર્યા વિના જ નીકળી ગયું.” આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 7:00 વાગ્યાની આસપાસ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે કેબલ કાર જમીનથી લગભગ 1,000 થી 1,200 ફૂટ ઉપર અટકી ગયુ છે. આ ઘટનામાં SSG ઓપરેશનમાં લાગ્યુ છે.