બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી, ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો
મુંબઈ
ભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જોવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 213 પોઈન્ટના ઉછાળા સાથે 65,433 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના વધારા સાથે 19,444 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના વેપારમાં બેંકિંગ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. નિફ્ટી બેન્ક 485 પોઈન્ટ અથવા 1.10 ટકાના વધારા સાથે 44,479 પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી છે. જ્યારે ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે પણ ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 31 શેરો ઉછાળા સાથે અને 19 ઘટાડા થે બંધ થયા છે.
આજના વેપારમાં બજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 308.96 લાખ કરોડ રહ્યું છે, જે અગાઉના સત્રમાં રૂ. 308.35 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 61000 કરોડનો વધારો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં એક્સિસ બેન્ક 2.24 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.61 ટકા, એસબીઆઈ 1.44 ટકા, લાર્સન 1.35 ટકા, ટાટા સ્ટીલ 1.23 ટકા, કોટક મહિન્દ્રા 0.99 ટકાના વધારા સાથે બંધ થયા હતા. સન ફાર્મા 1.10 ટકા, ભારતી એરટેલ 1.01 ટકા, ટાટા મોટર્સ 0.94 ટકા, ટેક મહિન્દ્રા 0.84 ટકા ઘટીને બંધ થયા હતા.
મુકેશ અંબાણીની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (જેએફએસએલ)નો શેર બુધવારે ફરીથી 5% ઘટ્યો હતો. આ સાથે શેરમાં લો સર્કિટ લાગી હતી. લિસ્ટિંગ પછી આ શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. જેએફએસએલનો શેર બીએસઈ પર મંગળવારના રૂ. 239.20ના બંધથી 5% ઘટીને રૂ. 227.25 પર ખૂલ્યો હતો. બીજી તરફ, એનએસઈ પર પણ JFSLનો શેર 5 ટકા ઘટીને 224.65 થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના તમામ ગ્રૂપ શેરોની માર્કેટ મૂડીમાં ઘટાડા માટે જેએફએસનો સૌથી મોટો ફાળો હતો. બુધવારે જીયો ફાઇનાન્શિયલ સર્વિસિસનું કુલ બજાર મૂલ્ય રૂ. 7,496.9 કરોડ ઘટીને રૂ. 1.43 લાખ કરોડ થયું હતું, જેના કારણે લિસ્ટિંગ પછી રોકાણકારોને રૂ. 23,000 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય શાખા જીયો ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડએ 21 ઓગસ્ટના રોજ શેરબજારમાં નિરાશાજનક પદાર્પણ કર્યું હતું. જેએફએસએલના શેર બીએસઈ પર શેર દીઠ રૂ. 265 અને એનએસઇ પર રૂ. 262 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. પ્રોફિટ બુકિંગ અને ભારે વેચાણને કારણે ત્રણ દિવસમાં શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે. 21 ઓગસ્ટે લિસ્ટિંગ દરમિયાન શેર રૂ. 278.20ના સ્તરે પહોંચી ગયો હતો.
તમને જણાવી દઈએ કે જુલાઈમાં ડી-મર્જર બાદ જીયો ફાઈનાન્શિયલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગયું હતું. તે સમયે તેના શેરની કિંમત 261.85 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જીયો ફાઈનાન્શિયલ નું માર્કેટ કેપ 1.60 લાખ કરોડ રૂપિયા છે. લિસ્ટિંગ પછી, આવા રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો છે, જેમની પાસે રેકોર્ડ ડેટ એટલે કે 20 જુલાઈ સુધી આરઆઈએલના શેર હતા. ડી-મર્જરની પ્રક્રિયા હેઠળ, રોકાણકારોને 1:1 રેશિયોમાં શેર આપવામાં આવ્યા છે.