આરોપીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે તેને દબાણ કરી શકીએ નહીઃ કોર્ટ

મુંબઈ
ગયા મહિને 31 જુલાઈના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે જયપુર મુંબઈ એક્સપ્રેસમાં તેના એક સીનીયર અધિકારી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદી પક્ષે માંગ કરી હતી કે આરોપીના બ્રેઈન મેપિંગ અને નાર્કો ટેસ્ટની મંજુરી આપવામાં આવે. મુંબઈની બોરીવલી મેજીસ્ટ્રેટ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, ‘આરોપીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે તેને દબાણ કરી શકીએ નહીં.’
માર્યા ગયેલા લોકોના પરિવારજનોની સંમતિ બાદ ફરિયાદ પક્ષે કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી આપવામાં આવે કારણ કે વ્યક્તિનો ગુનો અત્યંત ગંભીર શ્રેણીનો છે.
કેસની સુનાવણી કરી રહેલા મેજિસ્ટ્રેટે કહ્યું કે, મને તપાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે તે ટેસ્ટ માટે રાજી થઈ ગયો પરંતુ કોર્ટની સામે તેણે ટેસ્ટ માટે ઈન્કાર કરી દીધો.
કોર્ટે કહ્યું કે, ‘આરોપીએ સ્વાસ્થ્યનું કારણ આપીને ટેસ્ટ માટે ના પાડી હતી. આરોપી આવો ટેસ્ટ કરાવવા માંગતો ન હોવાથી અમે તેને દબાણ કરી શકીએ નહીં.’
મુસાફરોની સુરક્ષા માટે એક આરપીએફ જવાન ચેતન સિંહ તેના સાથીદારો સાથે ટ્રેનમાં તૈનાત હતો. જ્યાં નાદુરસ્ત તબિયતના કારણે તેણે તેની સાથે રહેલા એએસઆઈ પાસે રજા માંગી હતી, પરંતુ ASIએ રજા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી, આરોપીએ સવારે લગભગ પાંચ વાગ્યે તેના સીનીયર અધિકારીની ગોળી મારીને હત્યા કરી. તે પછી, આરોપી બે અલગ અલગ કોચમાં ગયો અને લઘુમતી સમુદાયના ત્રણ લોકોને શોધીને ગોળી મારી હત્યા કરી હતી અને ત્યાર બાદ લઘુમતી સમુદાય વિરુદ્ધ નફરતભર્યું ભાષણ આપતા મોદી અને યોગીને વોટ આપવાની અપીલ કરી હતી.