આ મામલે 36 આરોપીઓને 1 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે, કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે

રાંચી
ડોરંડા કોષાગાર સાથે સબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ મામલે રાંચીમાં સીબીઆઈની વિશેષ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે સાક્ષીના અભાવમાં 35 લોકોને મુક્ત કર્યા છે. કોર્ટે આ મામલે 53 લોકોને 3 વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ પર સુનાવણી ચાલુ છે. આ મામલે 36 આરોપીઓને 1 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે. આ મામલે કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આજે આપેલા ચુકાદામાં પૂર્વ ધારાસભ્ય ગુલશન અજવાનીને 3 વર્ષની સજા સંભળાવામાં આવી છે.
રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ના પાંચ કેસ સહિત કુલ 53 મામલાની સુનાવણી સીબીઆઈ કોર્ટમાં પૂરી કરી દેવામાં આવી છે. 52 કેસમાં કોર્ટ પૂર્વમાં પોતાનો નિર્ણય આપી ચૂકી છે. ડોરંડા કોષાગાર મામલે 27 વર્ષોથી સુનાવણી ચાલી રહી છે.
આ મામલે 616 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સીબીઆઈએ આ મામલે કુલ 192 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને હજુ ટ્રાયલ ફેસ કરનારા આરોપીઓની સંખ્યા 124 છે. આ દરમિયાન 62 આરોપીઓનું નિધન પણ થઈ ચૂક્યું છે.