ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી

નવી દિલ્હી
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈતિહાસ રચનાર ઈસરોએ હવે એક નવા સીમાચિહ્ન તરફ કદમ માંડવાની તૈયારી શરુ કરી દીધી છે. ઈસરો એ જાહેરાત કરી છે કે, તે 2 સપ્ટેમ્બરે આદિત્ય-એલ1 મિશન લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે. સામાન્ય નાગરિકો પણ લોન્ચિંગ જોવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી છે. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ પહેલું ભારતીય અવકાશ મિશન હશે.
આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (એસયુઆઈટી), આદિત્ય એલ1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઈયુસીએએ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.