નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધા બાદ ઈજાને લીધે બહાર ચાલ્યો ગયો હતો
કરાંચી
એશિયા કપ 2023ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન ટીમ માટે મુશ્કેલી ઊભી થઇ છે. નેપાળ સામેની મેચમાં પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. મુશ્કેલી બાદ શાહીન મેદાનની બહાર પણ ચાલી ગયો હતો. આ ભારત માટે સારા સમાચાર છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર નવા બોલ સાથે ભારતના બેટ્સમેનો સામે મુશ્કેલી ઉભી કરી શકે છે.
શાહીન આફ્રિદીના મેદાનની બહાર જવાથી તેના ફેન્સને તેના ઈજાગ્રસ્ત થવાનો ડર સતાવી રહ્યો છે. મેદાન છોડતા પહેલા શાહીને ટીમના ડોક્ટર અને ફિઝિયો સાથે વાત પણ કરી હતી. ભારત સામેની મેચમાં શાહીન પાકિસ્તાનનો મુખ્ય બોલર હશે. નવા બોલથી શાહીન ભારતીય ટોપ ઓર્ડર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો શાહીનને કોઈપણ પ્રકારની ઈજા થાય છે તો તે માત્ર ભારત સામે જ નહીં પરંતુ સમગ્ર એશિયા કપ અને આગામી વર્લ્ડ કપમાં પણ નહી રમી શકે, જેનો લાભ ભારતીય ક્રિકેટ ટીમ લેવા માંગશે.
નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધી હતી અને પછી તે સમસ્યાને કારણે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. મેચ દરમિયાન મુલતાનમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. વધુ પડતી ગરમી અને ભેજ પણ શાહીનની સમસ્યાનું કારણ હોઈ શકે છે. પાકિસ્તાને કોઈ જોખમ લીધા વિના શાહીનને મેદાનની બહાર મોકલી દીધો હતો. જો કે શાહીન નેપાળ સામે જે લય માટે જાણીતો છે તેમાં દેખાયો હતો અને તેણે પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.