નેતાનો પરિવાર હુમલામાં બચી ગયો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી
પટના
બિહારમાં ગુનેગારો એટલા બેરોકટોક અને બેખોફ થઇ ગયા છે કે તેઓ સામાન્ય લોકોને પણ નિશાન બનાવતા ડરતા નથી. તાજેતરનો મામલો ગયા જિલ્લામાંથી જાણવા મળ્યો છે.
અહીં ગુનેગારોએ બીજેપી નેતા સંતોષ ગુપ્તાના ઘર પર બોમ્બથી હુમલો કર્યો છે. સદનસીબે, તેનો પરિવાર આ હુમલામાંથી બચી ગયો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સંતોષ ગુપ્તા ભાજપના નેતા છે અને ભૂતકાળમાં ગયા જિલ્લા ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચુક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાને ખંડણીના પૈસા ન ચૂકવવા બદલ નિશાન બનાવવામાં આવ્યા છે.
આ અંગે સંતોષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સ્થાનિક ગુનેગાર ગેંગ દ્વારા તેમની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે. અગાઉ પણ તેમની પાસેથી ખંડણી વેરાની માંગણી કરવામાં આવી છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
ધમકી મળ્યા બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એવામાં બુધવારે મોડી રાત્રે ગુનેગારોએ તેના ઘર પર બોમ્બથી હુમલો કર્યો હતો.
ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી ડૉ કે રામદાસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારો જલ્દી પકડાઈ જશે. ઘટનાસ્થળેથી બે જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે.
બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં સંતોષ કુમારના ઘરને ભારે નુકસાન થયું છે. બારીઓના કાચ તૂટી ગયા છે. આ ઘટના બાદ ભાજપના નેતાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.