હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા

બારાબંકી
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના અહેવાલ છે. જ્યારે 12થી વધુ લોકોને બચાવાયા હતા. બચાવ અભિયાનની કામગીરી હજુ પણ ચાલુ છે.
બારાબંકીના ફતેહપુર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે આ ઘટના બની હતી જેમાં એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઇ ગઈ હતી. દુર્ઘટના બાદ એસ.પી.દિનેશ કુમાર સિંહ, સીડીઓ એકતા સિંહ વગેરેની હાજરીમાં પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક લોકોએ બચાવકામગીરી હાથ ધરી હતી. 12 લોકોને હોસ્પિટલે મોકલાયા હતા. ડૉક્ટરોએ ત્યાં 2ને મૃત જાહેર કર્યા હતા. જોકે 8 લોકોને અન્ય જગ્યાએ રિફર કરાયા હતા. કાટમાળમાં હજુ 3 લોકો ફસાયેલા હોવાની માહિતી છે.
આશરે બે કલાકની ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવી શકાયા હતા. તેમાં રોશની (22) અને ઈસ્લામુદ્દીન (25)ના મોત નીપજ્યા હતા. અન્ય લોકો ઘવાયા હતા.