યુએસમાં ભારતીય જ્વેલરી શૉપને ટાર્ગેટ કરતી ગેંગને એફબીઆઈએ ઝડપી લીધી

Spread the love

ગેંગના એક ડઝન કરતા વધારે સભ્યોની ધરપકડ, અમેરિકાના સંખ્યાબંધ રાજ્યોમાં આ ગેંગ એક્ટિવ, જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2023ની વચ્ચે ઘણા ભારતીય સ્ટોરને ટાર્ગેટ કર્યા


વોશિંગ્ટન
અમેરિકામાં ભારતીય જ્વેલરી સ્ટોરને ટાર્ગેટ કરતી એક ગેંગને એફબીઆઈએ ઝડપી લીધી છે.હથિયારો બતાવીને આખો સ્ટોર લૂંટી જનારી ગેંગના એક ડઝન કરતા વધારે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.અમેરિકાના સંખ્યાબંધ રાજ્યોમાં આ ગેંગ એક્ટિવ હતી.જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2023ની વચ્ચે આ ગેંગે ઘણા ભારતીય સ્ટોરને ટાર્ગેટ કર્યા હતા.ગેંગ વોશિંગ્ટનથી ઓપરેટ થઈ રહી હતી અને તેણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, વર્જિનિયા, ફ્લોરિડા, પેન્સિલવેનિયા સુધીના રાજ્યોમાં આતંક મચાવ્યો હતો.
ગેંગના 16 સભ્યોને શરુઆતના તબક્કે પકડવામાં આવ્યા છે.આ ગેંગના સભ્યો ભારતીય જ્વેલરી સ્ટોર, શો રુમમાં બંદુકોની અણીએ લૂંટ ચલાવતા હતા અને આખો સ્ટોર ખાલી કરીને જતા રહેતા હતા.એફબીઆઈને તપાસમા ખબર પડી છે કે, ગેંગના દરેક સભ્યને કામની વહેંચણી કરવામાં આવતી હતી.કોઈ ગાડીનુ લોક તોડવામાં તો કોઈ ગાડી ચલાવવામાં પ્રભુત્વ ધરાવતો હતો.
તો અન્ય કોઈ લૂંટનુ પ્લાનિંગ કરવાનો નિષ્ણાત હતો.લૂંટમાં મળેલી મત્તા કઈ રીતે સગે વગે કરવી તેનુ પણ અગાઉથી આયોજન થયુ હતુ.એક અધિકારીએ કહ્યુ હતુ કે, આંતરરાજ્ય ગેંગને પકડવી જરુરી હતી.કારણકે તે લોકો માટે ખતરો સાબિત થઈ રહી હતી.તપાસ દરમિયાન જે પ્રકારના પૂરાવા મળ્યા છે તે ગંભીર છે.આ ગેંગે લાખો ડોલરના ઘરેણા ચોર્યા છે.જેની તપાસ દરમિયાન વધારે જાણકારી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *