સુપર-4માં પાકિસ્તાને પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવે તો ફાઈનલમાં ભારત સામેની ટક્કર નક્કી
નવી દિલ્હી
એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઇ ગયો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ચુકી છે. ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી, પરંતુ બીજી વખત સુપર-4માં થયેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને 228 રનોથી હરાવ્યું હતું. આ વનડે ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનોના મામલે ભારતની સૌથી મોટી જીત છે. આ મેચ સાથે જ સુપર-4ના પોઈન્ટ્સ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ ઉપરાંત ક્રિકેટ ફેન્સ માટે બીજી એક ખુશખબરી પણ છે. ક્રિકેટ પ્રેમીઓને હવે એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ પણ જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચેની આ ટક્કર એશિયા કપની ફાઈનલમાં થઈ શકે છે. આ ફાઈનલ મેચ 17 સેપ્ટેમ્બરના રોજ કોલંબોમાં રમાશે.
ભારતીય ટીમને સુપર-4 રાઉન્ડમાં બીજી મેચ આજે શ્રીલંકા સામે રમવાની છે. આ મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચી જશે. જો આવું બને છે તો સુપર-4માં પાકિસ્તાને પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો બંને મેચોનું પરિણામ આવી જ રીતે આવશે તો ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. પાકિસ્તાન સામે જીત્યા બાદ ભારતીય ટીમને હવે સુપર-4માં બીજી બે મેચો રમવાની છે. સુપર-4 રાઉન્ડમાં ભારત પોતાની બીજી મેચ આજે શ્રીલંકા સામે રમશે. ત્યાર પછી ત્રીજી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 15 સેપ્ટેમ્બરે રમશે. જયારે પાકિસ્તાન તેની અંતિમ મેચ શ્રીલંકા સામે 14 સેપ્ટેમ્બરે રમશે.
ફાઈનલમાં પહોંચવા ભારત અને પાકિસ્તાનના સમીકરણ
- જો બારતીય ટીમ આજની મેચમાં શ્રીલંકાને હરાવે છે તો તે ફાઈનલમાં પહોંચી જશે. ત્યાર પછી ભારતીય ટીમને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમવાની રહેશે, જે માત્ર એક ઔપચારિકતા રહેશે.
- પાકિસ્તાન ટીમને તેની અંતિમ મેચ શ્રીલંકા સામે 14 સેપ્ટેમ્બરના રોજ રમવાની છે. પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા સામે મેચ જીતવી ખુબ જરૂરી છે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે તો તેની ટક્કર ફાઈનલમાં ભારત સાથે થશે.
- જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે તો બંને ટીમોના 3-3 પોઈન્ટ્સ થઇ જશે. આ સ્થિતિમાં બંને ટીમોની નેટ રનરેટ જોવામાં આવશે. આવી સ્થિતિમાં શ્રીલંકા ક્વાલિફાય કરી જશે કારણ કે શ્રીલંકાની નેટ રનરેટ વધુ સારી છે.
- જો શ્રીલંકા આજની મેચમાં ભારતને હારવી દે છે તો પણ ભારત પાસે બાંગ્લાદેશને હરાવી ફાઈનલ માં પહોંચવાની તક રહેશે, પરંતુ પાકિસ્તાને ફાઈનલ માટે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.