પૂરની ભયાવહ સ્થિતિને કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમને મૃતદેહોને શોધવામાં મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે

ડેરના
લીબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે અનેક શહેરોમાં વિનાશ વેરાયો છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં જોવા મળી હતી જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દફન જ થઈ ગયા છે. મૃત્યુઆંક પણ ઘણો વધારે હોઈ શકે છે કારણ કે 10,000થી વધુ લોકોના ગુમ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. અહીં વરસાદ અને પૂરના કારણે ડેમ તૂટી પડ્યા અને આજુબાજુના તમામ વિસ્તારો તેની લપેટમાં આવી ગયા હતા. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 5,200 થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે.
પૂરની ભયાવહ સ્થિતિને કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમને મૃતદેહોને શોધવામાં મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. લીબિયાની પૂર્વ સરકારના સ્વાસ્થ્યમંત્રી ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાવહ છે. ડેરના સ્થળની મુલાકાત દરમિયાન ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલોમાં મૃતદેહોના ખડકલાં સર્જાયા છે. ડેરનામાં ઘણા મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા કે પછી દરિયામાં વહી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
અધિકારીઓના મતે ફક્ત ડેરના શહેરમાં જ 2,300થી વધુ લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝના લીબિયાના દૂત તામેર રમઝાને જણાવ્યું હતું કે વિનાશકારી પૂર બાદ આશરે 10,000 લોકોનો કોઈ અતોપતો નથી. વડાપ્રધાન ઓસામા હમાદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ લોકો વહી ગયા હોઈ શકે છે અને તેમાંથી મોટા ભાગના લોકોના જીવ બચ્યાં હોવાની આશંકા ખૂબ જ ઓછી છે.
લીબિયાની સરકારના જણાવ્યા અનુસાર સુસા, માર્જ અને શાહત સહિત ઘણાં શહેરોમાં નુકસાન થયું છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા હતા અને બેનગાઝી શહેરમાં અને પૂર્વ લીબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.