ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે બે માસમાં માર્ગદર્શિકાનો સુપ્રીમનો નિર્દેશ

Spread the love

કેટલીકવાર મીડિયા રિપોર્ટ્સ પીડિતની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું સુપ્રીમ કોર્ટની બેન્ચનું અવલોકન


નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કારણે લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો છે.
બેન્ચે કહ્યું કે કેટલીકવાર મીડિયા રિપોર્ટ્સ પીડિતની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન કરે છે. બેન્ચે તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી) ને આદેશ આપ્યો છે કે તેઓ ગુનાહિત કેસોમાં પોલીસ મીડિયા બ્રીફિંગ માટે નિયમો તૈયાર કરવા અંગે ગૃહ મંત્રાલયને એક મહિનાની અંદર સૂચનો આપે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તમામ ડીજીપીએ એક મહિનાની અંદર ગૃહ મંત્રાલયને માર્ગદર્શિકા માટે તેમના સૂચનો આપવા. આ સાથે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએહઆરસી)ના સૂચનો પણ ધ્યાનમાં લઈ શકાય. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક મીડિયામાં રિપોર્ટિંગની નવી પદ્ધતિઓ અંગે પણ ધ્યાન દોર્યું મૂક્યો હતો. ચીફ જસ્ટિસે આને ખૂબ જ મહત્વનો મુદ્દો ગણાવતા કહ્યું કે, એક તરફ લોકોને માહિતી આપવી જરૂરી છે, તો બીજી તરફ જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના પુરાવા જાહેર થઇ જાય તો તેની અસર તપાસ પર પડી શકે છે.
આ સાથે આરોપીઓના અધિકારો અંગે વાત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મીડિયા ટ્રાયલ કરીને કોઈને ફસાવવાનું અયોગ્ય છે. સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ ઘટસ્ફોટની મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ જેથી આરોપીને અગાઉથી ગુનેગાર ગણવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટ મીડિયા બ્રીફિંગ દરમિયાન પોલીસ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિઓ અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની તપાસ ચાલી રહી છે. હવે આ કેસની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરી 2024ના બીજા સપ્તાહમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *