શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કરાવવા માટે ભારત લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું હતું. શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.
થોડા મહિનાઓ પહેલા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઈસીઓએમઓએસ)એ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. ફ્રાંસમાં સ્થિત ઈસીઓએમઓએસ આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થામાં પ્રોફેશનલ, નિષ્ણાંતો, સ્થાનીય અધિકારી, કંપનીઓ અને હેરિટેજ સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે અને આ દુનિયાના વાસ્તુશિલ્પ અને હેરિટેજ સ્થળોના સંરક્ષણ અને પ્રચાર માટે કામ કરે છે.
કોલકાતાથી 160 કિલોમીટર દુર સ્થિત શાંતિનિકેતન મૂળરૂપથી રવીન્દ્રનાથના પિતા દેબેન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવવામાં આવેલ એક આશ્રમ હતું જ્યાં જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના આવીને શિક્ષણ મેળવી શકતું હતું. મહર્ષિના નામે જાણીતા દેબેન્દ્રનાથ ટાગોર ભારતીય પુનરુજ્જીવનના અગ્રણી વ્યક્તિ હતા. તેમનાં દ્વારા નિર્મિત સંરચનાઓમાં શાંતિનિકેતન ઘર અને એક મંદિર હતું. યુનેસ્કોની વેબ સાઈટ પર કહેવામાં આવ્યું છે કે, ’19મી સદીના અંતમાં નિર્મિત બંને સંરચનાઓ શાંતિનિકેતનની સ્થાપના અને બંગાળ તથા ભારતમાં ધાર્મિક આદર્શોના પુનરુત્થાન અને પુનઃ અર્થઘટન સાથે સંકળાયેલા સાર્વત્રિક ભાવના સાથેના તેમના જોડાણમાં મહત્વપૂર્ણ છે.
ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક શાંતિનિકેતનમાં સ્થિત વિશ્વભારતી માનવતા, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, લલિત કલા, સંગીત, પર્ફોર્મિંગ આર્ટ્સ, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન અને ગ્રામીણ પુનર્નિર્માણના ડિગ્રી અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ યુનિવર્સિટીની સ્થાપના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. વર્ષ 1951માં સંસદના એક અધિનિયમ દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટી અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી. વિશ્વભારતી પશ્ચિમ બંગાળની એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે અને તેના ચાન્સેલર પ્રધાનમંત્રી છે.