તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો

બેઈજિંગ
વૈશ્વિક સ્તરે આક્રમક રણનીતિને કારણે એકલાં પડી ગયેલા ચીને હવે તેના પાડોશીઓની હેરાનગતિ કરવાનું વધારી દીધું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનના એરસ્પેસની નજીક તેના ફાઈટર વિમાનોનો કાફલો મોકલી ખળભળાટ મચાવી દીધો છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો છે. આ દરમિયાન તાઈવાને હવાઈ સરહદની નજીક ચીનના 103 ફાઈટર જેટ્સની હિલચાલ નોંધી હતી.
આ છેલ્લા કેટલાક સમયમાં ચીન તરફથી તાઈવાનને ડરાવવા માટે મોકલાયેલા ફાઈટર વિમાનનો સૌથી મોટો કાફલો હતો. માહિતી અનુસાર ચીને આ હરકત 17 અને 18 સપ્ટેમ્બર વચ્ચે કરી હતી. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ બંને વચ્ચે આવેલી ચેનલ અને પોતાના માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે. નિવેદનમાં જણાવ્યું કે બેજિંગ તરફથી કરાતું આવું ઉત્પીડન તણાવ વધારનારું છે અને તેનાથી ક્ષેત્રીય સુરક્ષાની સ્થિતિ બગડી શકે છે. તાઈવાને કહ્યું કે આવી હરકતોથી ફક્ત તણાવ જ વધશે અને ચીને આવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ.