ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો
બાલાસોર
બાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢી ગઈ હતી જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. નિરીક્ષણ રિપોર્ટમાં આ સમગ્ર માહિતી સામે આવી હતી.
ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.
સંયુક્ત અહેવાલ મુજબ, ટ્રેન નંબર 12841 કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેઇન લાઇન માટે સિગ્નલ આપવામાં આવ્યું હતું અને તરત જ પાછી ખેંચી લેવામાં આવ્યુ હતું પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન લૂપ લાઇનમાં પ્રવેશી ચૂકી હતી. આ લાઇન પર ગુડ્સ ટ્રેન પહેલેથી જ ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસ પહેલાથી જ રેલવે ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. માલસામાન ટ્રેનને ટક્કર માર્યા બાદ કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી.