વિદેશી રોકાણકારો તરફથી સતત વેચવાલી અને અમેરિકી કરન્સીમાં મજબૂતાઈને કારણે રૂપિયામાં નબળાઈનો ટ્રેન્ડ
મુંબઈ
ડોલરની તુલનાએ રૂપિયાની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ ચિંતાજનક છે. ડૉલરની તુલનાએ મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો 8 પૈસા ગગડી 83.21 પર પહોંચી ગયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, વિદેશી રોકાણકારો તરફથી સતત વેચવાલી અને અમેરિકી કરન્સીમાં મજબૂતાઈને કારણે રૂપિયામાં નબળાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યાનુસાર ક્રૂડ ઓઈલ 92 ડૉલર પ્રતિ બેરલના સ્તરે યથાવત્ છે. તેના કારણે પણ રૂપિયો દબાણ હેઠળ છે. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ અનુસાર ડૉલરની તુલનાએ રૂપિયો 83.19ના લેવલ પર ખૂલ્યો હતો અને તેના તાત્કાલિક બાદ 83.23 ના સ્તરને સ્પર્શી ગયો હતો. ત્યારપછી સુધારો થયો અને તે 83.21ના લેવલ પર આવી ગયો હતો. આ કારણે રૂપિયામાં 8 પૈસાનો ઘટાડો થયો હતો. અગાઉ સોમવારે રૂપિયો 19 પૈસા ગગડી 83.13 ના સ્તરે બંધ થયો હતો.
અહેવાલ અનુસાર અમેરિકામાં વધતાં વ્યાજદર અને ડૉલરની મજબૂતાઈને કારણે રૂપિયો આગામી દિવસોમાં વધુ દબાણમાં રહી શકે છે. દુનિયાની 6 મોટી કરન્સીની તુલનાએ ડૉલરની મજબૂતી દર્શાવતું ઈન્ડેક્સ 0.05 ટકાની લીડ સાથે 106.07 પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલના બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.45 ટકા ગગડીને 106.07 ના સ્તરે જળવાયેલું છે.