6 જૂન 1981ના રોજ બિહારમાં માનસી-સહરસા રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા
બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આવી જ એક મોટી દુર્ઘટના 1981માં બિહારના સહરસા પાસે બદલા-ધમારા ઘાટ વચ્ચે બાગમતી નદી પર સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના 9 ડબ્બા યાત્રીઓ સાથે પાણીમાં સમાય ગયા હતા.
6 જૂન 1981 ના રોજ બિહારમાં માનસી-સહરસા રેલવે લાઈન પર દેશનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બદલા અને ધમારા ઘાટ સ્ટેશનની વચ્ચે ટ્રેનના 9 ડબ્બા બાગમતી નદીમાં પડી ગયા હતા જેમાં લગભગ 800 લોકોના મોત થયા હતા. આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં પણ આ ઘટનાને યાદ કરીને તે વિસ્તારના લોકો કાંપી ઉઠે છે. આ દુર્ઘટના લગભગ બપોરે 3:00 વાગ્યે થઈ જ્યારે ટ્રેન બદલા ઘાટથી શરૂ થઈ અને આગળનું સ્ટેશન ધમારા ઘાટ હતું પરંતુ ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલાં બાગમતી નદીના પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ ટ્રેન અકસ્માતને ભારતનો વિશ્વનો બીજો સૌથી ખરાબ ટ્રેન અકસ્માત કહેવામાં આવે છે. એક થિયરી પ્રમાણે દુર્ઘટના સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો અને આખી ટ્રેનની બારીઓ બંધ હતી અને હવા અંદર રોકાઈ ગઈ હતી જેના કારણે બ્રેક લગાવતા જ ટ્રેનનું દબાણ વધી ગયું હતું અને આખી ટ્રેન પાટા પરથી ઉતરીને નદીમાં ખાબકી ગઈ હતી. એવી પણ એક થિયરી છે કે, ભેંસોનું આખું ટોળું પાટા પર આવી ગયું હતું જેના કારણે ડ્રાઈવરે બ્રેક મારી અને ટ્રેનના ડબ્બા નદીમાં પડી ગઈ. બીજી એક થિયરી એ છે કે, આ દુર્ઘટના ચક્રવાતના કારણે સર્જાઈ હતી.