ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી, હમાસે ઈઝરાયેલના જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંક્યા
જેરુસલેમ
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. આ હુમલાને પગલે જ ઈઝરાયલમાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ ઈઝરાયલી ગુસ્સામાં સીધો બદલો લેતાં ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવતાં અંધાધૂંધ એરસ્ટ્રાઈક કરી દીધી હતી.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દરમિયાન એક વીડિયો શેર કરીને દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ હોવાની માહિતી આપી હતી. તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ઈઝરાયલ હવે યુદ્ધ આરંભી રહ્યું છે અને હમાસે હવે આ હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ. તેમણે શરૂઆત કરી છે અને અમે ખતમ કરીશું. તેણે વિચાર્યું પણ નહીં હોય તેવું તેને નુકસાન પહોંચાડીશું. ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી હતી.
બીજી બાજુ વડાપ્રધાન મોદી સહિત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને વિવિધ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને ઈઝરાયલ પ્રત્યે સમર્થન જાહેર કર્યું હતું અને હમાસ દ્વારા કરાયેલા હુમલાની આકરી ટીકા કરી હતી.